“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોનું ગુરુવારે આગમન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

કાર્યક્રમના સુચારુ આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિના જિલ્લા વહીવટી તંત્ર અને SoUADTGAના અધિકારીઓની એકતાનગર ખાતે અમલવારી અંગે યોજાયેલી સંયુક્ત સમીક્ષા બેઠક

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આવતી કાલે તા.૨૦ એપ્રિલને ગુરુવારે સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોનું આગમન થશે. જેમને આવકારવા જિલ્લા વહિવટીતંત્ર અને SoUADTGA દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહેમાનોની આગતા સ્વાગતા, વ્યવસ્થા, દેખરેખ, પ્રવાસ તથા સંકલન માટે વિવિધ પ્રકારની આવશ્યક કામગીરીના સુચારૂ આયોજન અર્થે SoUADTGAના CEO ઉદિત અગ્રવાલ અને જિલ્લા ક્લેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ૦૮ જેટલી અમલવારી અંગે સમિતિઓની રચના કરવામાં આવી છે. મહેમાનો એકતાનગરની મુલાકાતે આવનાર હોવાથી સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે આજે તા.૧૯/૦૪/૨૩ના રોજ એકતાનગર વહીવટી સંકુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને SoUADTGAના અધિકારીઓની રચાયેલી સમિતિના સભ્યોની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

એક ભારત-શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તા.૧૭ એપ્રિલે સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયો છે જે ૩૦મી એપ્રિલ સુધી ચાલનાર છે. જેમાં તમીલના લોકો એકબીજા રાજ્યની સંસ્કૃતિ, કલા, રહેણીકરણી, ખાન-પાનનો સુભગ સમન્વય થઈને વિવિધતામાં એકતાના દર્શન થશે. આ કાર્યક્રમના સંકલન માટે રચાયેલી સમિતિની સમગ્ર દેખરેખ અને કાર્યક્રમ સંકલન પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીની આગેવાનીમાં થશે અને નાયબ કલેક્ટર પ્રોટોકોલના એન.એફ.વસાવા તેઓશ્રીના સહયોગી તરીકે કામગીરી કરશે અને બહારથી આવતા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થાપન સમિતિ જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભવો અને પ્રવાસીઓની સુરક્ષા-સલામતી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગના સ્થળની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત એકોમોડેશન અને ફુડ સમિતિ જે IRCTC ના પ્રતિનિધિઓના સંકલનમાં રહી મહેમાનો માટેની જરૂરી વ્યવસ્થા કરશે. મહેમાનોના સ્વાગત તેમજ મનોરંજન અર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પુણ્ય સલિલા માં નર્મદાની આરતી માટે પણ ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મહાનુભાવો માટે આરતી અંગેનું આયોજન કરી બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી કરવાની રહેશે. મીડિયા-પ્રસારણ સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં થનારી મુલાકાત-કાર્યક્રમોની બહોળી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવનાર છે. આરોગ્ય સમિતિ દ્વારા પણ પુરતી તકેદારી રાખવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેમાનો રોડ માર્ગે આવવાના હોય ટ્રાન્સપોર્ટ સમિતિની કામગીરી મહત્વની ભૂમિકામાં રહેનાર છે.

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમની કામગીરી અને સમિતિમાં જોડાયેલા અધિકારીશ્રીઓ તેમને સોંપાયેલી કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય અને નર્મદા જિલ્લાની મુલાકાતે આવનાર તમામ મહેમાનોને કોઈ અગવડ ન પડે અને જિલ્લાની સારી છાપ લઈને જાય તે સુનિશ્ચિત કરવા સમિતિના સભ્યોને CEO શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ અનુરોધ કર્યો હતો. સમગ્ર નર્મદા ટીમ મહેમાનોને આવકારવા માટે ઉત્સાહિત અને તમામ જરૂરી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને દરેક વિભાગો સાથે સંકલન સાધી લેવામાં આવ્યું છે.

ઉકત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, SoUADTGAના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ પોલિસ અધિક્ષક સુશ્રી વાણી દુધાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ, સહિત સંબંધિત સમિતિના અધિકારીકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here