સિધ્ધપુરનું પ્રસિદ્ધ બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ તર્પણ, અર્પણ અને સમર્પણનું ત્રિવેણી સંગમતીર્થ

સિદ્ધપુર, (પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-

વર્ષના ત્રણેય પીતુમાસમાં માતૃશ્રાદ્ધ કરાવવા સમગ્ર ભરત વર્ષમાંથી શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે…

સમગ્ર ભારતવર્ષમાં માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ સિધ્ધપુર ગુજરાતનું કાશી ગણાય છે.હિન્દૂ શાસ્ત્રમાં પિતૃશ્રાદ્ધ ગયાજીનું મહત્વ છે એમ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર જગવિખ્યાત તીર્થ છે.ભારતભરથી લોકો અહીં માતૃશ્રાદ્ધ વિધિ માટે આવે છે જેમાં ખાસ કરીને કારતક,ચૈત્ર અને ભાદરવા માસમાં પવિત્ર બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે જેનો મહિમા વેદ પુરાણોમાં વર્ણવેલો છે. માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ વિધિ તેમજ પિંડદાન કરવાથી વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતો હોવાનો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે.ભગવાન કપિલ મહામુનિએ લખ્યું છે કે માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં માતાનું શ્રાદ્ધ વિધિ અને પિંડદાન કરવાથી માતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પવિત્ર બિંદુ સરોવરનું અનેક ઘણું મહત્વ વર્ણવેલું છે.સિદ્ધપુર ના વિદ્વાન બ્રાહ્મણો પાસે યજમાનોના બાપદાદાના કુળનો સમગ્ર ઇતિહાસ વંશાવલી હોય છે જેમાં શ્રાદ્ધ માટે આવનારા યજમાનના કુળની માહિતી મળી રહે છે અને તેમના દ્વારા જેતે કુળ ગોર દ્વારા શ્રાદ્ધની વિધી કરાવાય છે. ભારતવર્ષની ભૂમિ ઉપરના પવિત્ર ચાર સરોવર જેમાં નારાયણ સરોવર (કચ્છ) પંપા સરોવર (દક્ષિણ) માન સરોવર (કૈલાસ) હિમાલય અને પવિત્ર બિંદુ સરોવર (શ્રીસ્થળ) સિધ્ધપુરનો સમાવેશ થાય છે.માતૃશ્રાદ્ધ કર્મ એટલે અર્પણ,તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ.

સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર ની જાળવણીમાં તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.સિદ્ધપુરના પ્રાંત અધિકારીની આગેવાનીમાં મામલતદાર દ્વારા વહીવટ ની ધુરા સંભાળવામાં આવે છે પરંતું યોગ્ય જાળવણી ના અભાવે આજે પવિત્ર બિંદુ સરોવરના પ્રાંગણમાં ઠેરઠેર ટાઇલ્સઓ તેમજ ભોંયતળિયા અને દીવાલો માં લગાવાયેલ કિંમતી પથ્થરો તૂટી જવાથી યાત્રાળુઓ તેમજ શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોને ખૂબ જ હાડમારીનો સામનો કરવો પડતો હોય છે.બિંદુ સરોવરના પ્રાંગણમાં શ્રી પરશુરામ ભગવાનના મંદિર પાસે આવેલ અતિપ્રાચીન મોક્ષ પીપળા પાસે દરેક યાત્રાળુ ઓ માતૃતર્પણ વિધિ કરાવ્યા પછી પિતૃઓને મોક્ષપ્રાપ્તિ અર્થે અહીં પિંડદાન કરી પ્રદક્ષિણા તેમજ જળ ચઢાવવાની પ્રથા છે પરંતુ તંત્રની ઉદાસીનતાના અને યોગ્ય જાળવણી અભાવના કારણે યાત્રાળુઓ અનેક હાડમારીઓ સહન કરવી પડે છે.તંત્રની રહેમનજર હેઠળ બિંદુ સરોવર પરિસરની ચારેય બાજુ અનેક દબાણો થઈ જવા પામ્યા છે જે દબાણો સત્વરે હટાવાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

હાલમાં પિતૃમાસ ચાલી રહ્યો હોવાથી સિદ્ધપુરના બિંદુસરોવર અને માતૃગયા તીર્થની અમિતાભ બચ્ચન ની એડફિલ્મ ટીવી ઉપર સતત પ્રસારીત કરવામાં આવે તો જાત્રાળુઓમાં અહીં વધુ સંખ્યામાં આવવા પ્રેરાય..ઉપરાંત છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોના વાયરસના કારણે આર્થિક મંદીનો સામનો કરતા સિદ્ધપુરવાસીઓને આજીવિકા મેળવવામાં મહદઅંશે મદદરુપ થઈ શકાય તેવી સિદ્ધપુર કર્મકાંડી ભૂદેવોની લાગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here