શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

13,097 વિદ્યાર્થીઓને પદવી અને કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરાયા

25,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. નેક તથા યુ.જી.સી. ના પૂર્વ ચેરમેન પ્રો. વી. એસ. ચૌહાણ કી-નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવન વિશે ઉપયોગી માર્ગદર્શન અને પ્રેરણા પૂરા પાડ્યા હતા. પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, માન. કુલપતિશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પદવી માટેના પ્રસ્તાવોને અનુમોદન આપી પદવી માટે ઈચ્છા વ્યક્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ અને એકેડેમિક ફાઉન્સિલના સર્વે સભ્યશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૨૨૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી પદવી માટે આવેદન કરનાર ૧૩૦૯૭ વિદ્યાર્થીઓને પદવી અને કુલ ૩૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવેલ હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. મહેશ મહેતા, આચાર્યશ્રી, આર્ટસ કોલેજ, મુનપુર દ્વારા કરવામાં આવેલ હતું અને આભારવિધિ ડૉ. મુકેશ પટેલ, કા.કુલસચિવશ્રી દ્વારા કરવામાં આવેલ હતું. આ ઓનલાઈન પદવીદાન સમારોહનું યુનિવર્સિટીની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું જેનો લાભ લેનારની સંખ્યા ૨૫૦૦૦ થી વધુ હતી.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૫ માં ગુજરાત એક્ટ નંબર ૨૪/૨૦૧૫ થી કરવામાં આવેલ છે. હાલમાં આ યુનિવર્સિટી સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર એવા પાંચ જીલ્લાની કુલ ૧૭૧ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કાર્યરત છે જેમાં કુલ અંદાજીત ૧,૦૭,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here