પંચમહાલ જિલ્લામાં કોરોના રસીકરણ માટે યુવાનોનો પ્રોત્સાહક પ્રતિસાદ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યુવાનોને ઝડપથી રસી મુકાવી કોરોના સામે રક્ષણ મેળવવાની અપીલ

૧૮ થી ૪૪ વયજુથમાં કુલ ૨૩,૮૬૯ યુવાનોએ રસી લીધી

કોરોના મહામારીમાં ત્રીજા વેવની સંભાવનાને જોતા સરકાર દ્વારા રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વય ધરાવતા યુવાનો માટે પણ રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી યુવાનો તરફથી કોરોના રસીકરણ માટે પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયો છે. ટૂંકા સમયમાં જ જિલ્લાના કુલ ૨૩,૮૬૯ યુવાનોએ રસી લઈ પોતાને કોરોના સામે સુરક્ષિત કર્યા છે. તાલુકા પ્રમાણે આંક જોઈએ તો ગોધરાના ૭૬૬૭, કાલોલના ૪૪૮૩, હાલોલના ૫૦૪૯, શહેરાના ૩૧૦૩, મોરવા હડફના ૧૬૫૧, ઘોઘમ્બાના ૧૬૭૩ અને જાંબુઘોડાના ૨૪૩ યુવાનોએ રસીકરણ કેન્દ્રો પર જઈ સરકાર દ્વારા ઉભી કરાયેલ વિનામૂલ્યે રસીકરણ સેવાનો લાભ લીધો છે. જિલ્લાના આ વયજુથના કુલ ૮.૪૧ લાખથી વધુ યુવાઓ પૈકી ૩ ટકા યુવા વેકસીનેટ થઈ ચૂક્યા છે. બાકીના વ્યક્તિઓ પણ નીડરપને આગળ આવી રસી મુકાવે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, વિવિધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. કુલ ૨૫ રસીકરણ કેન્દ્રો આ માટે જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યા છે. ઓછું વેકસીનશન ધરાવતા વિસ્તારોમાં અધિકારીઓની ટીમ મુલાકાત લઈ સંવાદ દ્વારા વેકસીનશનનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ૪૫ વર્ષથી વધુના ૨.૭૦ લાખથી વધુ નાગરિકોને પણ રસી અપાઈ ચુકી છે.

રસી મુકાવી જાતને સુરક્ષિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અપીલ

પંચમહાલ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડે જિલ્લાવાસીઓ માટે એક પ્રેરણા સંદેશમાં જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ કોઈ પણ ડર, અફવા કે ગેરસમજમાં દોરવાયા વિના માર્ગદર્શિકા પ્રમાણે કોરોના વેક્સિનેશન માટે આગળ આવવું જોઈએ. સંક્રમણને રોકવાનો અને સંક્રમિત થવાના કિસ્સામાં તેને ઘાતક બનતું અટકાવવામાં વેક્સિન ઘણી કારગર સાબિત થઈ છે. પોતાનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓને તાવ કે અન્ય કોઈ બીમારી નથી થઈ તેમ છતાં તેઓએ વેક્સિન લઇને પોતાની જાતને કોરોના સામે સુરક્ષિત કરી છે. યુવાનો તરફથી વેક્સિનેશન માટે મળી રહેલા પ્રતિસાદને પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આવકારવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here