શિક્ષક દિને ચર્ચામાં રહ્યું નર્મદા જિલ્લાનું ગૌરવ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના આચાર્યશ્રી પ્રદિપસિંહ સિંધાનું ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરાયુ બહુમાન

ગાંધીનગર ખાતે શ્રી સિંધાને રૂા. ૫૧ હજારના રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર સહિત શાલ ઓઢાડીને કરાયું સન્માન

શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, શિક્ષણના અગ્ર સચિવ ડૅા. અંજુ શર્મા, શિક્ષણ સચિવશ્રી ડૅા. વિનોદ રાવ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સને ૨૦૨૦ માં રાજયના શ્રેષ્ઠ શિક્ષક / આચાર્ય તરીકે પસંદગી પામેલા શિક્ષકો / આચાર્યોને સન્માનવાના રાજયકક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગામની શ્રી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્યશ્રી પ્રદિપસિંહ અભેસિંહ સિંધાને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો રૂા. ૫૧ હજારનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું. સને ૧૯૯૭ માં નવરચિત નર્મદા જિલ્લાની રચના થયા બાદ રાજયકક્ષાએ સૌ પ્રથમ શ્રેષ્ઠ આચાર્ય તરીકે શ્રી સિંધાની થયેલી પસંદગી અને આ સન્માનથી શ્રી સિંધાએ નર્મદા જિલ્લાનું ગૌરવ વધારવાની સાથે રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે.

રાજયકક્ષાએ શ્રેષ્ઠ આચાર્ય તરીકેનું બહુમાન મેળવનાર શ્રી પ્રદિપસિંહ સિંધાએ ૧૯૯૫ માં નવાગામની જય રામકૃષ્ણ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં જોડાઇને તેમની જ્ઞાનયાત્રા – યશસ્વી કાકિર્દીનો પ્રારંભ કર્યા બાદ તા. ૧૦ મી જુલાઇ, ૨૦૦૧ થી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગામે શ્રી નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં શિક્ષક / આચાર્ય તરીકે જોડાઇને આજદિન સુધી શિક્ષણરૂપી મશાલને પ્રજજલવિત કરી રહયાં છે. શ્રી સિંધાએ પ્રાથમિક શિક્ષણ કેવડીયામાં, માધ્યમિક શિક્ષણ રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય, B.Sc. રાજપીપલાની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ B.Ed. નું શિક્ષણ રાજપીપલાની સરકારી કોલેજમાંથી લીધું છે.

આચાર્યશ્રી પ્રદિપસિંહ સિંધા શૈક્ષણિક અને વહિવટી કામકાજમાં ઉંડો રસ ધરાવતા હોઇ, તેમની શાળામાં અનેકવાર શૈક્ષણિક સેમિનાર યોજવાની સાથે તેઓએ અનેક તાલીમોમાં ભાગ લઇ તજજ્ઞ તરીકેની સેવાઓ પણ આપી છે. શ્રી સિંધાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તેમની શાળાએ અનેકવાર વિજ્ઞાનમેળા સહિતની વિવિધ શૈક્ષણિક-રમતગમત પ્રવૃત્તિઓમાં તાલુકા-જિલ્લા અને રાજયકક્ષાએ શાળાનું નામ રોશન કર્યુ છે. સને ૨૦૧૩-૧૪ ના વર્ષમાં પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ શાળાના એવોર્ડમાં રૂા. ૧ લાખનો રોકડ પુરસ્કાર પણ મેળવેલ છે.

કર્મયોગી યોજના અન્વયે શિક્ષકો માટેની ગણિત-વિજ્ઞાનની કસોટીમાં પણ ૨૫ ગુણમાંથી ૨૫ ગુણ મેળવી શ્રી સિંધા પ્રથમ સ્થાને રહયાં છે. સને ૨૦૧૦ થી ૨૦૧૨ માં સતત ત્રણ વર્ષ સુધી શાળાના ૧૦૦ ટકા પરિણામ સાથે કન્યાઓનું પણ ૧૦૦ ટકા પરિણામ મેળવી રૂા. ૫૦,૦૦૦/- નો પુરસ્કાર શાળાને પ્રાપ્ત થયેલ છે.
શ્રી સિંધાની શાળા ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલી હોઇ, હોસ્ટેલમાં રહેતા અને અપડાઉન કરતાં બાળકોની સમસ્યા અને મુશ્કેલીઓ જાણીને હંમેશા તેનો સાનુકુળ ઉકેલ લાવ્યાં છે. શાળાના બાળકોની તેઓએ સ્વાસ્થ્ય સંબંધી કાળજી લેવા ઉપરાંત યોગના વર્ગો સહિત નિરોગી શાળામાં વિવિધ રાષ્ટ્રિય-સામાજિક અને સર્વધર્મ સમભાવ સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરીને પણ શાળાની આગવી ઓળખ ઉભી કરી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામના વતની શ્રી પ્રદિપસિંહ સિંધાનો જન્મ અને ઉછેર ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. ૧૯૭૧ માં શરૂઆતમાં રૂા. ૧૬૫/- ના બેઝીક પગારની નોકરીમાં જોડાયેલા પિતા અભેસિંહ વજેસિંહ સિંધા ખૂબ જ ટુંકી આમદાની વચ્ચે તેમના પત્ની શ્રીમતી જશોદાબેન સિંધાના અથાક પરિશ્રમ અને સહયોગથી બે દિકરા અને એક દિકરીના સંસ્કાર સિંચન અને ઉછેર સાથે તેમના બાળકોની કારકિર્દી ઘડતરમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. જેના પરિણામે સંતાનમાં સૌથી નાના શ્રી પ્રદિપસિંહ સિંધાએ આજે રાજયકક્ષાએ શ્રેષ્ઠ આચાર્યનું બિરૂદ મેળવી તેમના પરિવાર સહિત સમગ્ર રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે જયારે તેમના મોટાભાઇ બરોડા ડેરીમાં વેટરનરી ડૅાકટર તરીકે અને તેમના બહેન કપડવંજ તાલુકાના અંતીસર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી રહયા છે. શ્રી સિંધાના પત્ની શ્રીમતી દમયંતીબેન નેચરોથેરાપીમાં MD ની ઉપાધિ સાથે દરદીઓને સેવાભાવથી નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ-સારવાર આપી રહયાં છે. તેમના ભાભી પણ પાવીજેતપુર તાલુકાના શિથોલ ગામની માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી રહયાં છે, જયારે તેમના બનેવી પણ કપડવંજ તાલુકાની સુણદા ગામની માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે સેવાઓ આપી રહયાં છે. આમ, સમગ્ર પરિવાર સુશિક્ષિત અને શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલ હોઇ, આ સમગ્ર પરિવાર સમાજમાં જ્ઞાનની ગંગા વહાવી રહયું છે.

શિક્ષણની સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી પ્રદિપસિંહ સિંધાએ તાજેતરમાં ત્રણ નિરાધાર દિકરીઓના લગ્નની જવાબારી નિભાવવાની સાથે કન્યાદાન કરીને આજે તેઓ ધન્યતા અનુભવી રહયાં છે. તેની સાથોસાથ સમાજના ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ કાર્યમાં સહાયરૂપ થવા ભૌતિક સાધનો અને સુવિધાઓ પણ પૂરી પાડીને આત્મસંતોષનો ઓડકાર લઇ રહયાં છે.
આમ, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે શ્રી સિંધાએ કરેલી વિવિધ પ્રવૃત્તિઓને લક્ષમાં લઇને રાજય સરકાર તરફથી સને ૨૦૨૦ ના શ્રેષ્ઠ શિક્ષક-આચાર્ય તરીકે એનાયત કરાયેલા પારિતોષિક અને સન્માન બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે જ્ઞાનની આ જયોત સતત પ્રજજલવિત રાખવામાં હજી પણ શ્રી સિંધાની વિશેષ આહૂતિ શિક્ષણ કાર્યમાં મળતી રહેશે જ તેવી શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here