રાજપીપળા ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા કિસાનની ઉન્નતિ, દેશની પ્રગતિ માટે કિસાન પખવાડાની ઉજવણી કરાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લિડ બેન્ક દ્વારા કિસાન મેળો યોજાયો

નર્મદા જિલ્લાના ૧૪૬ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૪.૬૪ કરોડ ઉપરાંતની સહાય વિતરણ કરવામાં આવી

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લીડ બેન્ક દ્વારા કિસાન પખવાડાની ઉજવણી અંતર્ગત કિસાન મેળો યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી ઝોનલ હેડ વિવેક ગુપ્તાએ જણાવ્યું કે, બેન્ક ઓફ બરોડા દ્વારા વર્ષ ૨૦૧૮ થી શરૂ કરેલા કિસાન પખવાડાની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં કિસાન પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને સમયાંતરે ખેતીક્ષેત્રોમાં થતા પરિવર્તન અને નવી વૈજ્ઞાનિક ટેકનિકના ઉપયોગ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવે છે. જેનાથી ખેતીપેદાશોમાં સુધારો કરીને ખેડૂતો ખેતીમાં આગળ વધી તેમની આવક બમણી કરી શકે છે.

બેન્ક ઓફ બરોડાના વડોદરા રીજીયોનલ મેનેજર અરવિંદ કુમારે જણાવ્યું કે, કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અનેક યોજનાઓ થકી કૃષિ વિષયક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ બેન્કો સાથે જોડાયેલી હોય છે. જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના. જેનો નાગરિકો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૪૬ જેટલા લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૪.૬૪ કરોડની સહાયના પૂર્વ મંજૂરી પત્રો સહિત સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બેન્ક બ્રાન્ચ મેનેજર, શાખાના પ્રમુખો, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here