મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પૂર્વ પરવાનગી સિવાય ચાર કરતા વધુ વ્યકિતઓનાં એકત્રિત થવા અને સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

મોરવા(હ), (પંચમહાલ) ઈશહાક રાંટા

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ગોધરા, સોમવાર: પંચમહાલ જિલ્લામાં 125- મોરવા હડફ વિધાનસભા બેઠક પેટાચૂંટણી અંતર્ગત સમગ્ર મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતદારો નિર્ભયપણે મુક્ત રીતે મતદાન કરી શકે, ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ્શાંતિનો ભંગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ સમગ્ર વિધાનસભા વિસ્તારમાંપેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ૪(ચાર) કરતા વધુ વ્યકિતઓનાં એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસો કાઢવાને પ્રતિબંધિત કરતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નનાં વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને કે સ્મશાન યાત્રાઓને લાગુ પડશે નહી. આ હુકમનો અમલ તા. ૦૪.૦૫.૨૦૨૧ સુધી મોરવા હડફ વિધાનસભાના સમગ્ર વિસ્તાર તેમજ ગોધરા તાલુકાનાં મેરપ, ગોલ્લાવ, દહિંકોટ, સરસાવ અને ભામૈયા એમ પાંચ ગામોના વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીશ્રીઓ ફરિયાદ કરવા અધિકૃત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here