કોરોના રસીકરણનો વ્યાપ વધારવા મુસ્લિમ અગ્રણીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ 2021 પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે હાલમાં કોરોના પ્રતિરોધક રસી જિલ્લાના તમામ 45 થી 59 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિઓ તેમજ 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને જિલ્લામાં આવેલ રસીકરણ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઇને આ રસી લેવી આવશ્યક છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેથી અફવાઓથી દુર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ જિલ્લાના તમામ નાગરિકોને ફરજ છે. જિલ્લાના 45 થી 59 વર્ષના કોઈપણ કો મોર્બિડ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સક્રિય થવા તેમણે અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરેશ રાઠોડ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મીનાક્ષી ચૌહાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here