મોરવા હડફ ખાતે રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મોરવા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

મોરવા હડફ તાલુકાના 18 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વિજળીની સુવિધા મળશે

પંચમહાલ જિલ્લામાં ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના 8,000 ગામડાઓમાં પણ શહેરની માફક નિરંતર વિજળી મળવાનું સપનું સાકાર થયા બાદ હવે એ જ શ્રેણીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈરૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારની કિસાન સૂર્યોદય યોજનાથી કિસાનોનું પિયત માટે દિવસે વિજળી મળવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આ સાથે જ મોરવા હડફ તાલુકાના 52 પૈકી કુલ 18 ગામોને પિયત માટે દિવસે વીજપુરવઠો આપવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અગાઉ રાત્રે પિયત માટે વીજપુરવઠો મળતો જેના કારણે વધુ પડતું પાણી આપી દેવું, સર્પદંશ, જંગલી જાનવરોના હુમલા સહિતના બનાવો બનતા હતા, જેનાથી ખેડૂતોને હવે મુક્તિ મળશે તેમજ તેમની ઉત્પાદકતામાં વધારો થશે.

સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે ખાતર, પાણી અને વિજળીની ઉપલબ્ધતા જ સરળ નથી બનાવી પરંતુ તેની સાથે નવા કૃષિ કાયદાઓ લાવી સમગ્ર દેશનું બજાર ઉપલબ્ધ કરાવ્યું છે. ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વારા ખોલી શકવા સક્ષમ કૃષિ કાયદાઓને વિરોધ કરનારાઓને આડે હાથે લેતા શ્રી ખાબડે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદન વેચવા માટે મર્યાદિત વિકલ્પો આપવા તેમની સાથે ઘોર અન્યાય છે. કિસાન સન્માન નિધી યોજના હેઠળ રૂ.18 હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે, ઝીરો પ્રિમિયમ પર પાકવીમો, ખાતરની સરળ ઉપલબ્ધતા, ખેડૂતોને જમીન માફિયાઓથી બચાવવા કડક કાયદા લાવવા સહિતના પગલાઓ જ ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ખેડૂતોને દિવસે વિજળી ઉપલબ્ધ કરાવવા માટેની આંતરમાળખાકીય સુવિધાઓ તૈયાર કરવી સરળ નહોતી તેમ જણાવતા વીજ ઉત્પાદન-વિતરણ ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો અને ત્રણ વર્ષની અંદર રાજ્યના તમામ ગામોને 3500 કરોડના ખર્ચે કિસાન સૂર્યોદય યોજનામાં આવરી લેવાશે તેમ જણાવ્યું હતું.
આ અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારે પોતાના સંબોધનમાં મહિલા અને ખેડૂતો માટે સરકારે અમલી બનાવેલ કલ્યાણકારી યોજનાઓની વિગત આપી હતી. આ અગાઉ, એમજીવીસીએલ, ગોધરાના અધિક્ષક ઈજનેરશ્રી ચંદેલ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ વડોદરાના અધિક્ષક ઈજનેરશ્રી રાઠવા દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.રાઠોડ, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી રામ બુગાલિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શ્રી વિક્રમસિંહ ડિંડોળ સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here