પંચમહાલ જિલ્લામાં મોરવા (હ)ના 51 ગામોના 2.16 લાખની વસ્તી માટે પાણીની સમસ્યાનો અંત

મોરવા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

136 કરોડથી વધુના ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ

દૈનિક 3.2 કરોડ લીટર શુધ્ધ પાણી પીવાના હેતુ પુરુ પાડવામાં આવશે

ડુંગરાળ તેમજ ખડકાળ ભૂપુષ્ઠ ધરાવતા મોરવા હડફ વિસ્તારમાં ઉનાળાના સમયમાં ભૂગર્ભ જળ નીચા જવાથી પીવાનાં પાણીની તંગીનો સામનો કરવો પડતો હોય છે. જેથી રાજય સરકાર દ્વારા કાયમી ઉકેલ માટે સરફેસ સોર્સ (જેવા કે નદી, જળાશય, કેનાલ વગેરે) આધારીત યોજનાઓ હાથ ધરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અત્યાર સુધી બોર, હેન્ડેપંપ અને મીની પાઇપ જેવી ભુગર્ભ જળ આધારીત યોજનાઓથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો અને દરેક ઉનાળામાં પાણીની મુશ્કેલી ભોગવવી પડતી હતી, જેના ઉકેલરૂપે વિચારાયેલ રૂ. 136.53 કરોડની પાનમ ડેમ આધારિત હારેડા જુથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ યોજનાથી મોરવા હડફ વિસ્તારના 51 ગામોની 2.16 લાખ જેટલી માનવ વસ્તીને પીવાના પાણીની સમસ્યા હલ થશે અને જળ સલામતીનું ધ્યેય હાંસલ થશે. હારેડા જૂથ પાણી પુરવઠા યોજના માટે મોરવા (હડફ) તાલુકામાંથી પસાર થતી પાનમ નદી પર આવેલ પાનમ જળાશયના ઉપરવાસમાં હારેડા ગામની સીમ નજીક ઈન્ટેક વેલ બનાવી 05 કી.મી જેટલી લંબાઇની પાઇપલાઇન નાખી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. શુધ્ધ પાણીને ત્રણ ભૂગર્ભ સંપ તેમજ ત્રણ ઉચી ટાંકી અને 1 કિમી લાંબી વિતરણ પાઇપલાઇન થકી 51 ગામોની વસ્તી સુધી શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું શરૂ કર્યુ છે. 51 ગામોના તમામ ફળીયાઓની કનેકટીવીટી માટે 545 કિમી જેટલી પી.વી.સી. પાઈપ લાઈન નાંખી ફળીયાઓ સુધી સ્ટેન્ડ પોસ્ટ ઉપર પાણી પુરવઠો શરૂ કરેલ છે. આ યોજના થકી દૈનિક 3.2 કરોડ લીટર શુધ્ધ પાણી પીવાના હેતુ માટે પુરુ પાડવાનુ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના પીવાના પાણીનું ધોરણ હાલમાં પ્રતિ વ્યક્તિ 55 લિટર પ્રતિ દિવસ છે, જ્યારે હારેડા જુથ પાણી પુરવઠા યોજના 100 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસના ધોરણે બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here