પંચમહાલ : રાજ્યભરમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમનું કરાશે આયોજન

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ અન્વયે વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

જિલ્લા સેવાસદન ગોધરા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” સંદર્ભે યોજાઈ બેઠક

ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જે અંગે આજરોજ જિલ્લા સેવા સદન ગોધરા, કલેકટર કચેરી સભાખંડ ખાતે કલેકટરશ્રી
સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના સબંધીત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના સુચારુ આયોજન અંગેની ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત કાર્યક્રમની જિલ્લા અને પ્રાંત કક્ષાની અમલીકરણ સમિતિના સભ્યશ્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ સંદર્ભે જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો.

વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્ર્મ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રાંત કક્ષાનું આયોજન આગામી ૧૨ તારીખે સવારે ૧૦ વાગ્યે ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની પ્રેરક ઉપસ્થિતિમાં, હાલોલ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શહેરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાશે તથા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.

આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બરના સવારે ૧૦ વાગ્યે જિલ્લા કક્ષાનું આયોજન રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને મહેંદી બંગલો, દાહોદ રોડ, વાવડી, ગોધરા ખાતે જિલ્લા કક્ષાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.

આજની આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારશ્રી અર્જુનસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાભોર સહિત જિલ્લા અને તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here