પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજ તા: ૧૦/૫/૩૦૨૧ ના રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ દ્વારા માન. કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કોરોના મહામારીની અત્યારે સેકન્ડ વેવની સ્થિતિ ચાલે છે જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ થઇ રહી છે. મેડિકલ રીસર્ચ સંસ્થાઓ દ્વારા સરકારશ્રી ને કોરોના સેકન્ડ વેવની આગાહી કરવામાં આવી હતી અને ગંભીર સૂચનાઓ સાથે મેડિકલ સુવિધાઓ અને સેવાઓ બાબતે પુરી અને પુરતી તૈયારીઓ રાખવા માટે સૂચિત કરવામાં આવ્યું હતું. છતાં આજની આરોગ્ય લક્ષી સેવાઓની સ્થિતિ જોતા સ્પષ્ટ જણાય રહ્યું છે કે, સરકારે આ બાબતે ગંભીર નોંધ લીધી હોય તેવું જણાતું નથી. આજે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્જેક્શન, આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા સ્ટાફ વગેરેઓની અછત જોવા મળી રહી છે. અને પરિણામે દર્દીઓને પુરી અને પુરતી સારવાર ન મળવાના કારણે જાન ગુમાવવાનો સમય આવ્યો હોય એવું લાગી રહ્યું છે.

ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ માન. જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી અને સરકારનું ધ્યાન દોરવા માટે જણાવ્યું છે કે, મેડિકલ રીસર્ચ સંસ્થાઓ દ્વારા જ્યારે કોરોના મહામારીની થર્ડ વેવની આગાહી કરી છે અને સાથે સાથે ગંભીરતાપૂર્વક સૂચના આપવામાં આવી છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લે અને જરુરી સુવિધાઓ તૈયાર રાખે. જેથી લોકોની જાનહાનિ અટકાવી શકાય.

આજ રોજ આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે, આજે પુરા વિશ્વના દેશોમા કોરોના ને અટકાવવા દેશના નાગરિકોને સંપૂર્ણ રસીકરણ કરાવવાનું અતિ આવશ્યક, ઉપયોગી અને અક્સિર ઈલાજ ગણી ઝડપથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આપણા દેશ અને રાજ્યમાં રસીકરણ ની કામગીરી ઝડપથી કરવામાં આવે તેમજ તમામ નાગરિકોને રસી આપવામાં આવે અને ૧૮ વર્ષ થી ૪૫ વર્ષના નાગરિકોને રસી માટે રજીસ્ટ્રેશન કરવાની જે જટિલ પ્રક્રિયા છે તેનું સરળીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ સાથે જણાવવામાં આવ્યું છે કે, રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવી લોકોને જાગૃત કરવાની જરૂર છે અને રસીકરણ કેન્દ્રો વધારવાની જરૂર છે અને પુરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ એ જણાવ્યું છે કે, રસીકરણ જાગૃતિ અભિયાન માટે તેમજ લોકોને રસી ઝડપથી મળે તે માટે પાર્ટીના કાર્યકરો તંત્રને સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છે તેમ જણાવી વધુમાં કહ્યું કે અત્યારે તમામ નાગરિકોએ કોરોના મહામારીને અટકાવવા માટે રસીકરણ અભિયાન ને મહત્વ આપે એ જરૂરી છે.
આવેદનપત્ર આપવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, હસનૈન પ્રેસવાલા (એડવોકેટ), દયાલ આહુજા તથા હુસૈન પ્રેસવાલા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here