પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ. ૭૦૫ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ- ખાતમૂહુર્ત કરાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પાણી પુરવઠા અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના રૂ. ૨૦૦ કરોડના કામોનું લોકાર્પણ

જળસંપત્તિ- પાણી પુરવઠા સહિત વિવિધ વિભાગોના રૂ. ૫૦૫ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પંચમહાલ જિલ્લાના લોકોની સુખાકારી માટે કુલ રૂ. ૭૦૫ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.
શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે શહેરા તાલુકાના મહેલાણ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા રૂ. ૨૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં રૂ. ૧૩૬ કરોડથી વધુના ખર્ચે મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાશે. આ યોજના કાર્યાન્વિત થવાથી મોરવા હડફ તાલુકાના ૫૧ ગામોના અંદાજે ૨ લાખથી વધુ લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ. ૨૨.૪૩ કરોડના ખર્ચે હાલોલ ખાતે પોલીટેકનિક કોલેજનું બાંધકામ, રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે મોરવા હડફ ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ, રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે જાંબુઘોડા ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ અને રૂ. ૮ કરોડના ખર્ચે શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ સ્કુલનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગ અંતર્ગત તૈયાર થનાર રૂ. ૫૦૫ કરોડથી વધુના વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવશે જેમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમૂહુર્ત કરાશે. આ યોજના તૈયાર થવાથી ૧૨૮ ગામોની ૪૩,૫૦૦ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે.
જ્યારે શિક્ષણ વિભાગ (GCERT) ગાંધીનગર અંતર્ગત રૂ. ૧૨.૬૦ કરોડના ખર્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરા, અંબાલીના નવીન બાંધકામ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ગોધરા- પંચમહાલ અંતર્ગત રૂ. ૩૫ કરોડના ખર્ચે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી હાલોલ, પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂ. ૬.૬૬ કરોડના ખર્ચે વણાકબોરી ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ રૂ. ૩.૧૦ કરોડના ખર્ચે અદેપુર ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના જ્યારે બાગાયત વિભાગ, ગોધરા- પંચમહાલ હેઠળ રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર એટ ખાંડીવાવ, જાંબુધોડાનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here