પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં મેગા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ દરમિયાન બેંકોએ રૂ. 134.37 કરોડની રકમની 1800 લોન અરજીઓ મંજૂર કરી

ભારત સરકારની આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે લાભાર્થીઓ રૂ.134.37 કરોડની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચંદન બાગ, ગોધરા ખાતે રાજ્ય સ્તરીય આ પ્રસંગે સંબોધન કરતા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે કોરાનાની વૈશ્વીક મહામારીનાં કારણે વેપાર-ઉદ્યોગોને વિપરીત અસરોમાંથી બહાર લાવવા અને અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા તેમજ લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આ ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ બેન્કો દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પોતાના ધંધા-રોજગાર માટે લોન લઈને આત્મનિર્ભર બનવા ઈચ્છતા વ્યક્તિઓ લોન લઈ શકે છે. આ લોનની મદદથી તેઓ પોતાના ધંધા-રોજગારને વિકસાવી શકે છે અથવા નવો ધંધો શરૂ પણ કરી શકે છે. સરકાર આત્મનિર્ભર બનવા માટે, સ્વરોજગારી માટે અનેક પગલા લઈ રહી છે ત્યારે લાભાર્થીઓને આ તકનો લાભ લઈ સક્ષમ બનવા, ક્રેડિટ આઉટરીચ પ્રકારના કાર્યક્રમોનો લાભ લઈ જરૂરી નાણાકીય સહાય મેળવી આર્થિક ઉન્નતિ સાધવા અને તે સાથે જ ભારતીય અર્થતંત્રને પણ એક નવો વેગ આપવા અપીલ કરી હતી. તેમણે આર્થિક સહાય મેળવવા અંગેની વિવિધ યોજનાઓ અંગે સતત માહિતગાર રહેવા, સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા રહેવા ઉપસ્થિતજનોને હાકલ કરી હતી. સમયસર લોનનું ચૂકવણું કરતા લાભાર્થીઓને આગળ વધુ ધિરાણની જરૂર પડયે ધિરાણ પૂરુ પાડવા બેન્કો તૈયાર છે ત્યારે લાભાર્થીઓ પણ વધુ સક્ષમ બની આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ કરવા તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે જરૂરી નાણાંની પ્રવાહિતતા અને સમાયોજન માટે બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહે છે ત્યારે રાષ્ટ્રના કૌશલ્યવાન અને તાલીમબધ્ધ યુવા શક્તિનો રાષ્ટ્રના વિકાસમાં વિનિયોગ કરવા માટે બેંકો દ્વારા તેઓને આર્થિક સહાય અને સબીસીડી યુકત લોન દ્વારા અપાતું પ્રોત્સાહન આગવું પ્રેરકબળ પુરું પાડે છે.
કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના ઝોનલ પ્રમુખશ્રી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય બજારમાં વપરાશ અને માંગને વધારીને આર્થિક સ્વાસ્થ્યને પુનર્જીવિત કરવાનો છે. 16 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી ચલાવાયેલ આ ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનો હેતુ કોરોના કટોકટીથી બજારને થયેલ નકારાત્મક અસરોથી અસંગઠિત ક્ષેત્રના જે લોકો પ્રભાવિત થયા છે તેમને મદદ કરવાનો, ધિરાણથી વંચિત રહેતા નબળા વર્ગો, મહિલાઓને આર્થિક મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે ટકાઉ અને લાંબા ગાળાના સર્વસમાવેશક વિકાસ માટે આ પ્રકારની પહેલનું મહત્વ બેન્કો સમજે છે અને આ પહેલ માત્ર 15 દિવસના કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા લાંબા ગાળા માટેનો અભિગમ બની રહેશે.
પંચમહાલ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ દરમિયાન બેન્કોએ 1800થી લાભાર્થીઓને રૂ. 134.37 કરોડનું ધિરાણ મંજૂર કર્યું હતું. જેમાં એમએસએમઈ ક્ષેત્રે 81.53 કરોડની 278, કૃષિ ક્ષેત્રે 16.24 કરોડની 674 તેમજ છૂટક ધિરાણ ક્ષેત્રે 36.70 કરોડની 848 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પૈકીના 51 લાભાર્થીઓને સ્ટેજ પરથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્રો અને લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કૃષિ પખવાડિયા દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં 140 ગ્રાહક સંપર્ક કાર્યક્રમો યોજવાની સાથે પશુ સ્વાસ્થ્ય જાગરૂકતા શિબિર, કિસાન ચૌપાલ, મૃદા પરિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે હેઠળ 1500થી વધુ ખેડૂતો સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના ન્યુ એમ.એસ.એમ.ઈ કોર્પોરેટના પ્રમુખશ્રી ધ્રબાશીષ ભટ્ટાચાર્ય, ક્ષેત્રીય પ્રમુખશ્રી આદિત્ય કુમાર કન્નોજિયા, ઉપ પ્રમુખશ્રી નરેન્દ્ર પાંડેય, એસબીઆઈના રિજનલ મેનેજરશ્રી મલિક, બીજીજીબીના રિજનલ મેનેજરશ્રી ચંદ્રમોહન સૈની, બીઓઆઈના ડેપ્યુટી ઝોનલ મેનેજરશ્રી એચ.એન.શ્રીવાસ્તવ, આરસેટીના ડાયરેક્ટરશ્રી દેવીદાસ દેશમુખ, નાબાર્ડના ડીડીએમશ્રી રાજેશ ભોંસલે તેમજ લીડ બેન્ક મેનેજર શ્રી એસ.કે. રાવ સહિત વિવિધ બેંકો, નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ અને વિવિધ પ્રકારની લોનનાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here