પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ, કલેક્ટરશ્રીએ તમામ કેન્દ્રોની મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરાના કુલ ચાર કેન્દ્રો ખાતેથી રસીકરણનો પ્રારંભ કરાશે

પ્રથમ તબક્કામાં 9 હજારથી વધુ સરકારી-ખાનગી આરોગ્યકર્મીઓને આવરી લેવાશે

વૈશ્વિક મહામારી કોવિડ-19 વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનની ઈંતેજારીનો અંત આવ્યો છે અને આવતીકાલથી પંચમહાલ સહિત તમામ જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે જિલ્લામાં રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે રસી આપવા માટે જિલ્લામાં ચાર સ્થળોએ કાલોલ સી.એચ.સી, હાલોલ સી.એચ.સી., શહેરા સી.એચ.સી. અને ગોધરાની નર્સિંગ સ્કૂલ ખાતે રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ દરેક રસીકરણ કેન્દ્રો પર 100-100 લાભાર્થીઓને જરૂરી તકેદારીઓ સાથે રસી આપી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાશે. કાલોલ ખાતે પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ગોધરા નર્સિંગ સ્કૂલ ખાતે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, હાલોલ ખાતે કાલોલ ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ તેમજ શહેરા ખાતે ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહી રસીકરણનો પ્રારંભ કરાવશે.
આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. રસીનો જરૂરી જથ્થો પણ રસીકરણ કેન્દ્રો ખાતે પહોંચાડી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના કુલ 11,320 ડોઝ ફાળવવામાં આવ્યા છે, જે ગોધરા ખાતે સ્ટોર કરવામાં આવ્યા છે. રસીકરણ પૂર્વે સઘન આયોજનના ભાગરૂપે ડ્રાયરનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here