પંચમહાલ જિલ્લામાં આવતી કાલથી ગોધરા RTO કચેરી પુન: કાર્યરત થશે….

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફરજીયાત રહેશે

૨૧મી માર્ચથી ૦૩ જૂન વચ્ચેની એપોઇન્ટમેન્ટ ધરાવતા અરજદારોએ ફરી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે

કોવિડ-૧૯ સંક્રમણ સામે રક્ષણ માટે લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ અનલોક-૧ અંતર્ગત રાજ્યમાં સંપૂર્ણ સાવધાની સાથે તમામ પ્રકારની સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે એ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ આવતીકાલે ૪ જૂનથી ગોધરાની આર.ટી.ઓ. કચેરીનું કામકાજ ફરી શરૂ થશે. જો કે ભીડના કારણે સંક્રમણનું જોખમ ઉભું ન થાય તે માટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આરટીઓ કચેરી તરફથી જારી કરવામાં આવી છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરાની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ પધ્ધતિ ફરજિયાત રહેશે. જેથી લાયસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની અપોઈન્ટમેન્ટ 21/03/2020થી 03/06/2020ની વચ્ચે હોય તેઓએ ફરી ઓનલાઇન એપોઇન્મેન્ટ લેવાની રહેશે. જ્યારે તારીખ 04/06/2020 કે ત્યારબાદની અપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારોએ ફીવાર ઓનલાઇન એપોઇન્મેન્ટ લેવાની રહેશે નહીં. જે અરજદારોના લર્નિંગ લાઇસન્સની સમય મર્યાદા તારીખ 21/03/2020થી તારીખ 31/07/2020 વચ્ચે પૂર્ણ થઈ ગઈ હોય કે થવામાં હોય તેવા અરજદારોએ તા. 31/07/2020 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહીં.
હાલમાં ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં હોઈ તે સેવાઓ માટે અરજદારે કચેરીમાં રૂબરૂ આવવું જરૂરી નથી. પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને જવાનું રહેશે. આરએમએ આંતર રાજ્ય વાહન માલિકી તબ્દીલ, આરસી કેન્સલ, ડીએ, પરત થયેલ આરસી મેળવવા માટે ઓનલાઇન વિકલ્પ ઉપલબ્ધ ન હોય એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે નહીં. નોવેલ કોરોના સંક્રમણને ધ્યાને લઈને અરજદારે આરટીઓ કચેરી પરિસરમાં 15 મિનિટ અગાઉ અને એપોઇન્ટમેન્ટ લેટર હાર્ડ કોપી કે સોફ્ટકોપીમાં રજૂ કરીને જ પ્રવેશ મેળવી શકશે. એપોઈન્ટેમન્ટ લેનાર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સાથે આવનાર અન્ય કોઈ વ્યક્તિ કે વાલીને પ્રવેશ મળી શકશે નહીં.
આ ઉપરાંત અરજદારોની વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી આરટીઓ કક્ષાએથી એપ્રુવ્ડ થયા બાદ તેઓ M-PARIVAHAN અને DIGILOCKER એપમાં ડિજિટલ ડોક્યુમેન્ટ જનરેટ કરી શકશે, જે પોલીસ અને આરટીઓ કચેરીની એન્ફોર્સમેન્ટ કામગીરી માટે માન્ય ગણાશે. એચએસઆરપી ફીટમેન્ટ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને બપોરના 03.00 કલાક બાદ આરટીઓ કચેરીએ આવવાનું રહેશે. વધુમાં યાદીમાં આરટીઓ કચેરીએ કારણ વગર ભીડ ન કરવા અને પૂછપરછ માટે કચેરીના લેન્ડલાઇન ટેલિફોન નંબર- 02672-242724 પર સંપર્ક કરવા અને ઇન્કવાયરી વિન્ડોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here