પંચમહાલ કલેક્ટરશ્રી સુજલ મયાત્રાની બદલી થતા ગોધરા ખાતે વિદાય સમારંભ યોજાયોઃ નવનિયુક્ત કલેક્ટરશ્રી આશિષ કુમારનો સત્કાર સમારંભ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સૌકોઈ સાથે મળીને પંચમહાલ જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવવા કામ કરીશું – કલેકટરશ્રી આશિષ કુમાર

સહજ સ્વભાવ,ઉત્તમ લીડરશીપ અને સરળતાથી ૧ વર્ષ ૯ મહિના સુધી કલેકટરશ્રીના નેતૃત્વમાં એક ટીમના ભાગરૂપે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું – નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી

પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રી સુજલ મયાત્રાની રેવન્યુ વિભાગ ગાંધીનગર ખાતે બદલી થતા જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગોધરા ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટરશ્રી આશિષ કુમારનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો.

જેમાં નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી અને વિવિધ અધિકારીશ્રીઓએ વિદાય લઇ રહેલા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાને પુષ્પગુચ્છ,શ્રીફળ અને ભેટ અર્પણ કરીને નવી ઇનિંગની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમાએ નવનિયુક્ત કલેક્ટરશ્રી આશિષ કુમારને બુકે અને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કલેક્ટરશ્રી સુજલ માયાત્રાએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના અહીંની પ્રજા સાથે સાથે રેવન્યુનો સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્ટાફ હોવાનું કહી ટીમ પંચમહાલના કાર્યોની તેમણે પ્રસંશા કરી હતી.તેમણે નવા કલેક્ટરશ્રી આશિષ કુમારની આગેવાનીમાં પંચમહાલ જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે નવનિયુક્ત કલેકટરશ્રી આશિષ કુમારે જણાવ્યું હતું કે સૌકોઈ સાથે મળીને પંચમહાલ જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવવા કામ કરીશું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો સાથ સહકાર અને સહયોગ મળી રહે તેવી અપેક્ષા સાથે પોતાની વાત રજૂ કરી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પૂર્વ કલેકટરશ્રીના નેતૃત્વમાં ૧ વર્ષ ૯ મહિના ૬ દિવસ સુધી કામ કરવાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે સહજ સ્વભાવ અને ઉત્તમ લીડરશીપ સાથે એક ટીમના રૂપમાં સતત પ્રોત્સાહિત કર્યા છે.

આ સમારંભમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here