નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી આયોજનમંડળની બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે ૫૭૭ જેટલાં વિકાસ કામો મંજૂર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લાની ખૂટતી કડીઓ સંદર્ભે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા આપી જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવા મંત્રીશ્રીનો અનુરોધ

મંજૂર થયેલા વિકાસ કામોને સમયસર ઝડપથી હાથ ધરવા અને ગુણવત્તાયુક્ત સાથે નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડની હિમાયત

રાજપીપળા નગરપાલિકા મા પણ વિકાસ ના કામો માટે રુપિયા 25 લાખ ની મંજુરી

ગુજરાતના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે અંદાજે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે કુલ ૫૭૭ જેટલા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા આ વિકાસ કામો સમયસર ઝડપથી હાથ ધરવા અને ગુણવત્તાયુક્ત સાથે આ કામો નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીશ્રીઓને મંત્રીશ્રી ખાબડે હિમાયત કરી હતી.

તદ્ઉપરાંત જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી પણ રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાઓમાં આરોગ્યલક્ષી સુવિધાના ૯ કામો તેમજ વિકાસશીલ તાલુકા હેઠળ દેડીયાપાડા તાલુકામાં રૂા. ૨ કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુવિધાના ૧૩ કામો તથા વિકાસશીલ તાલુકા હેઠળ સાગબારા તાલુકામાં રૂા.૨ કરોડના ખર્ચે ૧૭ આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના આ અગાઉ મંજૂર થયેલા કામો અંગે પણ મંત્રીશ્રીએ આ બેઠકમાં જાણકારી આપી આયોજન મંડળના સભ્યશ્રીઓને વાકેફ કર્યા હતા. વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે જિલ્લા પ્રસાશન દ્વારા દરદીઓની ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા ઓક્સિજન પ્લાન્ટ-ઓક્સિજન ટેન્ક-સિલીન્ડર સહિતની પૂરતી સુવિધા ઉપલબ્ધિ સહિતની જિલ્લાની આરોગ્યલક્ષી-જનસુખાકારીની કામગીરીને મંત્રીશ્રી ખાબડે બિરદાવી જિલ્લા પ્રસાશનને અંભિનંદન આપ્યાહતા.

ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જિલ્લાનાં વિકાસમાં ખૂટતી કડીઓ સંદર્ભે સામુહિક વિકાસના કામોને અગ્રતા આપી સૌના સહિયારા પ્રયાસ સાથે જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન મંડળ હેઠળ નર્મદા જિલ્લાને મળવાપાત્ર ગ્રાન્ટની જોગવાઇ સામે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાલુકા આયોજન સમિતિના માધ્યમથી અને પદાધિકારીશ્રીઓના સુસંકલન થકી તમામ તાલુકાઓ દ્વારા થયેલા સુચારા આયોજનની આ બેઠકમાં ચર્ચા સમીક્ષા સાથે જિલ્લામાં સરકારશ્રીના લોકોપયોગી વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયાં છે. જે બદલ મંત્રીશ્રી ખાબડે બેઠકમાં ઉપસ્થિત સહુ કોઇને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદનાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી. પલસાણા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા સહિત જિલ્લા આયોજન મંડળના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને આયોજન મંડળના અધ્યક્ષશ્રી બચુભાઇ ખાબડે વધુમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર કરાયેલા ઉકત કામો ટૂંક સમયમાં ઝડપથી હાથ ધરીને નિર્ધારિત સમયાવધિમાં પૂર્ણ કરવાની સાથે વિકાસ કામોની ગુણવત્તા જળવાઇ રહે તેની પણ ખાસ કાળજી રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આજે યોજાયેલી ઉકત બેઠકમાં મંજૂર કરાયેલા રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે ૫૭૭ વિકાસ કામોમાં ડામર રસ્તા, પેવરબ્લોક, સી.સી. રસ્તા, પીવાના પાણીની સુવિધા, સંરક્ષણ દિવાલ, ગટરલાઇન, સમૂહ વિકાસના (પાઇપ-નાળા, સ્મશાન, હવાડો, ખડીયાટ) વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જેમાં નાંદોદ તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૧૫૩ કામો, ગરૂડેશ્વર તાલુકામાં રૂા. ૧.૨૫ કરોડના ખર્ચના ૧૧૧ કામો, તિલકવાડા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૮૫ કામો, દેડીયાપાડા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૧૩૭ કામો અને સાગબારા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૮૮ જેટલા વિકાસ કામો ઉપરાંત રાજપીપલા નગરપાલિકાના રૂા.૨૫ લાખના ખર્ચના ત્રણ કામોને આવરી લેવાયા છે.

આ બેઠકમાં ગત સને ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ ના વર્ષના વિકાસ કામોની એપ્રિલ-૨૦૨૧ અંતિત વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી, જેમાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની વિગતવાર જાણકારી અપાઇ હતી. મંત્રીશ્રી ખાબડે બાકી રહેલા અને પ્રગતિ હેઠળના ઉક્ત વર્ષના વિકાસ કામો પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યો શ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા તરફથી જરૂરી રચનાત્મક સૂચનો પણ કરાયાં હતાં, જે પરત્વે મંત્રીશ્રી ખાબડે ઘટતી કાર્યવાહી કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહે “ ટીમ નર્મદા “ વતી પ્રભારી મંત્રીશ્રીને આવકાર્યા હતા. જિલ્લાના વિકાસ કામોના આયોજનનું આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી શાહે રાજ્યસરકારના આયોજન વિભાગ દ્વારા જિલ્લા આયોજન મંડળના વિકાસ કામોની દરખાસ્ત સંદર્ભેની માર્ગદર્શિકા બાબતે સભ્યશ્રીઓને વાકેફ કરી તે મુજબ વિકાસ કામોની દરખાસ્ત કે તેમાં ફેરફાર અંગેની દરખાસ્ત થાય ત્યારે ઉક્ત બાબતોને લક્ષમાં લેવા ભાર પૂર્વકનો અનુરોધ કર્યો હતો અને અંતમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામો થકી જનસુખાકારી વધારવાના પ્રયાસોને મૂર્તિમંત કરવા “ટીમ નર્મદા” વતી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here