જિલ્લા એલસીબી પોલીસે કાલોલના આપેશ્વર પાસેથી રાત્રીના સુમારે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. ૨૭,૦૦૦નો દારૂ ભરેલી કાર ઝબ્બે કરી : એક બુટલેગર પણ ઝડપાયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શક સુચનોને આધારે જિલ્લામાં ફેલાયેલી દારૂની બદીને ડામવા માટેના આદેશને પગલે જિલ્લા એલસીબી પોલીસને મંગળવારે મોડી સાંજે આપેશ્વર રોડ પરથી વિદેશી દારૃની ખેપ આપતી એક ગાડી પસાર થવા હોવાની ખાનગી રાહે મળેલી બાતમી મુજબ કાલોલ તાલુકાના ગેંગાડીયા-મલાવ રોડ પર આવેલા આપેશ્વર મહાદેવ મંદિરના પાટીયા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવતા પહેલાં બાતમી મુજબ દારૂની ગાડીને પાયલોટિંગ કરતી એક મોટરસાયકલના ચાલકે પોલીસની નાકાબંધી જોઈને રોડ પર મોટરસાયકલ છોડીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. જ્યારે થોડીવારમાં પાયલોટિંગ મોટરસાયકલ પાછળ આવેલી બાતમી મુજબની ફિયાગો ગાડીને નાકાબંધી પાસે ઉભી રાખવા માટે પોલીસે ઈશારો કરતા ગાડી ચાલકે નાકાબંધી તોડીને પોતાની ગાડી પુરઝડપે આપેશ્વરના જંગલના માર્ગે ભગાડી ગયો હતો જેનો રાત્રીના સુમારે પોલીસે જંગલમાં પીછો કરતા થોડે દૂર જંગલમાં ગાડી છોડીને ભાગવાનો પ્રયાસ કરતા છેવટે ચાલકને જંગલમાંથી ઝડપી પાડયો હતો અને ઘટનાસ્થળે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી નવ પેટીઓ સહિત ૩૧૨ નંગ ભારતીય બનાવટની વિદેશી બ્રાન્ડ ધરાવતી દારૂની બોટલો મળી આવી હતી. જેથી એલસીબી પોલીસે ઝડપાયેલા બુટલેગરની પુછપરછ કરતા તે બુટલેગર નામે ભુપેન્દ્ર જસવંતભાઈ બારીયા (રહે. ભગત ફળિયું, ગામ. રાણીપુરા. તા. ઘોઘંબા)ની અટકાયત કરી પ્રતિબંધિત એવા રૂ. ૨૭,૭૨૦નો દારૂ, ૧,૫૦,૦૦૦ની ફિયાગો ગાડી, ૨૫,૦૦૦ની મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૦૨,૭૨૦નો મુદામાલ કબ્જે કરી પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધી પાયલોટિંગ કરતા ફરાર એવા અજાણ્યા મોટરસાયકલ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here