જિંદગીના પ્રથમ ૧૦૦૦ દિવસ બાળક માટે ખૂબ જ અગત્યના છે… આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા આઈ.સી.ડી.એસ. અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની કરાયેલી ઉજવણી સ્તનપાન સપ્તાહના અસરકારક અમલીકરણ માટે જિલ્લાની ૧૯૫ બહેનોની સુપોષણ સંગીની તરીકે પસંદગી

નર્મદા જિલ્લામાં આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગરૂડેશ્વર તાલુકાના સમારીયા ગામમાં ‘’વિશ્વ સ્તનપાન સપ્તાહ’’ ની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં આઇ.સી.ડી એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે જણાવ્યું હતું કે, જિંદગીના પ્રથમ ૧૦૦૦ દિવસ બાળક માટે ખૂબ જ અગત્યના છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી માતાના અને બાળકના આરોગ્ય અને પોષણની કાળજી લેવાની હોય છે, બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધી બાળકને જો યોગ્ય પોષણ મળી રહે તો બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે. બાળક જન્મે કે તરત જ માતાનું દૂધ આપવું, છ મહિના સુધી સતત સ્તનપાન કરાવવું, ત્યારબાદ બે વર્ષનું બાળક થાય ત્યાં સુધી ઉંમર મુજબ ઉપરનો આહાર અને સ્તનપાન ચાલુ રાખવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

વુધમાં શ્રીમતી પટેલે ઉમેર્યું હતું કે, બાળકને છ મહિના સુધી માતાના દૂધ સિવાય બહારનું કંઈ પણ આપવું ન જોઈએ. આ માટે સરકારશ્રી દ્વારા કાયદો પણ ઘડવામાં આવેલ છે, જે અન્વયે ડબ્બાના દૂધ અને અન્ય આહાર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. કુપોષણ જેવી સમસ્યાને સરકાર, વિવિધ સંસ્થાઓ અને સમુદાયના સંકલન થકી જ નાથી શકાશે અને લોકોના વર્તન વ્યવહારમાં બદલાવ લાવી શકાશે. આ સમસ્યાને નિવારવા લાઈફ સાઈકલ એપ્રોચથી કામ કરવાની જરૂર છે. કિશોરીઓ સાથે કામ કરીને એનિમિયાનું પ્રમાણ ઘટાડવુ જેથી સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. સગર્ભા અને ધાત્રી બહેનોમાં સગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ ખાસ કાળજી રાખવા જનજાગૃત્તિ ખૂબ જ આવશ્યક હોવાનું શ્રીમતી પટેલે જણાવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર શ્રીમતી શીતલબેન પટેલે જણાવ્યું હતું કે, આંગણવાડીની સેવાઓ અને મમતા દિવસમાં અપાતી સેવાઓનો લાભ લેવા બહેનોને ઉત્સાહિત કરવા જોઇએ. બહેનો અને લાભાર્થીઓને સરકારી યોજનાઓ સાથે જોડાવવા જાગૃતિ લાવવી, જેથી સમાજમાં નિર્ણાયક ભૂમિકામાં રહેલ વર્ગને સંવેદનશીલ બનાવી શકાય. નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુક્ત પ્રસાસથી ‘’સુપોષણ’’ કાર્યક્રમની શરૂઆત તા.૦૧ જુલાઈ ૨૦૧૮ના રોજ કરવામાં આવી. હતી ‘’સુપોષણ’’ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો, કિશોરીઓ અને માતાઓમાં આરોગ્ય અને પોષણ વિશેની જાગૃત્તિ લાવવાનો છે તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સમુદાય વચ્ચે સેતૂ બનાવવાનો છે.

‘’વિશ્વ સ્તનપાન સપ્તાહ’’ ની ઉજવણીના અસરકારક અમલીકરણ માટે આજુબાજુના વિસ્તારના જ ગામોમાંથી ૧૯૫ બહેનોની પસંદગી સુપોષણ સંગીની તરીકે કરવામાં આવી છે. જેઓ સતત ગામના આંગણવાડી વર્કર, આશા બહેન સાથે સંકલનમાં રહી વર્તન બદલાવની કામગીરી ઉપર વિશેષ ભાર મૂકીને સમાજમાં સુપોષણ ચેન્જ એજન્ટ તરીકે કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સમારીયા ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, આશાબેન, આંગણવાડી કાર્યકર તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here