સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર પરિસરમા રોજ 1100 પાર્થેશ્વર લિંગનું સ્થાપન-પૂજન કરી કરાતી અનોખી શિવ ભક્તિ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા માટે શિવભકતો વિવિધ પ્રકારે તેમની પુજાપાઠ કરી ધન્યતાનો અનુભવ કરે છે. આપણા વેદપુરાણ તેમજ ધર્મગ્રંથોમાં ભગવાન શિવજીના અનેક સ્વરૂપ તેમજ વિવિધ પદાર્થોમાંથી બનાવેલા શિવલિંગોનો મહિમા ગવાયો છે.જેમાંથી એક છે શ્રીપાર્થેશ્વર લીંગ એટલે કે માટીમાંથી બનાવેલ આ લિંગની પૂજા. કોઈપણ સામાન્ય મનુષ્ય નદી કે સરોવરના કિનારાની શુદ્ધ ચીકણી માટીમાંથી બનાવેલા શિવલિંગની પૂજા થકી ભગવાન સદા શિવશંકર ભોલેનાથની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.આવી એક વાત સિધ્ધપુરમાં રહેતા રાજસ્થાની પરિવાર કે જે ત્રણત્રણ પેઢીથી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના હજારો પાર્થેશ્વર લીંગ બનાવી તેની પુરા વિધિવિધાનથી નિત્ય આરાધના કરે છે.આ 1100 પાર્થેશ્વર શિવલિંગ ના પૂજા-અનુષ્ઠાનના દર્શનો લ્હાવો ખરેખર અનન્ય છે. હાલમાં પરિવાર દ્વારા પવિત્ર બિંદુસરોવર ખાતે આવેલ ભગવાન કપિલ મુનિના આશ્રમમાં નિત્ય નવા સ્વરૂપે અગિયારસો પાર્થેશ્વર લિંગની સ્થાપના કરી તેની પૂજા-આરાધના, અનુષ્ઠાન કરવામાં આવે છે.જે હજારો શિવભક્તો માટે આકર્ષણ તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.તેમના દર્શન કરી શિવભકતો ધન્યતા અને સાથે પ્રસન્નતા ની અનુભૂતિ કરી રહ્યા છે. સિધ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે ભગવાન સદાશિવ ભોળાનાથના આ લિંગ સ્વરૂપની અનોખી પૂજા ભક્તિ જોવા મળી રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી સિદ્ધપુરમાં સ્થાયી થયેલ અહીંના ચૌબીસા પરિવાર છેલ્લા 70 વર્ષથી દર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના અગિયારસો માટીના પાર્થેશ્વર શિવલિંગ દરરોજ બનાવી અનોખી શિવ ભક્તિ કરી રહ્યુ છે.દરરોજ સરસ્વતી નદીના કિનારેથી ચીકણી માટી લાવી નાના-નાના શિવલિંગ બનાવી તેની સ્થાપના કરવામાં આવી છે.પછી તેના પર વિશેષ કરીને જળાભિષેક બિલાભીષેક બીલીપત્ર તેમજ અબીલ-ગુલાલ ચંદન,કંકુ,ચોખા,ફૂલહાર ધૂપદીપ,નૈવેદ્ય,પ્રસાદ ચઢાવી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે દરરોજ સાંજે પાર્થેશ્વર શિવલિંગને પવિત્ર સરસ્વતી નદીના વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.આ માટીના શિવલીંગ બનાવવામાં સમગ્ર માસ દરમિયાન આશરે એક ટ્રેક્ટર-ટ્રોલી ભરી ચીકણી માટીનો વપરાશ થાય છે. તેમજ આ માટીના શિવલિંગમાંથી વિવિધ આકાર સ્વરૂપના યંત્ર બનાવી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.પવિત્ર બિંદુ સરોવરના કપિલ મુનિ આશ્રમ ખાતે રહેતા અંબાલાલ શંકરલાલ જોશી(ચૌબીસા)પરિવાર કે જે મૂળ રાજસ્થાન ઉદયપુરના વતની છે જેઓ તેમના દાદાના વખતથી ચાલતી આ માટીના પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના,પૂજાપાઠ,અનુષ્ઠાનની પરંપરાને જાળવી રાખી છે.આ પરિવારના અંબાલાલ જોષી જણાવે છે કે આ પરંપરા અમારા બાપદાદાના સમયથી શરૂ કરી હતી જેને અમોએ જાળવી રાખી છે અને અમારી આવનારી પેઢી પણ તેને જરૂર જાળવી રાખશે.દરરોજ સવારે પવિત્ર સરસ્વતી નદીના કિનારેથી માટી લાવી તેમાંથી નાનાનાના માટીના અગિયારસો શિવલિંગ બનાવવામાં આવે છે.આ અગાઉ પ્રથમ દિવસે ગાયનું ગોબર,માટી,ચંદન,કેશર અષ્ટગંધ,મધ થકી ગણપતિ ની મૂર્તિ બનાવાય છે જેનું સમગ્ર માસ દરમિયાન મહાપુજન કરવામાં આવે છે.પાર્થેશ્વરની પૂજામાં અઠવાડિયાના સાતેય દિવસ અલગઅલગ વારે શિવજીના જુદાજુદા યંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે છે.જેમાં સોમવારે નાગપાશયંત્ર,મંગળવારે ત્રિકોણીયા યંત્ર,બુધવારે કાચબા યંત્ર,ગુરુવારે ચતુષ્કોણ યંત્ર,શુક્રવારે પંચકોણ યંત્ર,શનિવારે ધનુષ-બાણ યંત્ર અને રવિવારે સર્વ રોગ નિવારણ યંત્રની સ્થાપના કરવામાં આવે છે.આ શિવલિંગોનું ષોડશોપચાર પૂજન,ગાયના દૂધ અને બીલીપત્રથી અભિષેક કરવામાં આવે છે.આ શિવલીગોનો દર સોમવારે મધ,ધી,શેરડી-કેરીનો રસ જેવા અલગ અલગ દ્રવ્યોથી મહા- અભિષેક કરવામાં આવે છે.ભગવાન શિવજીના આવા અનોખા યંત્ર સ્વરૂપ ની પૂજા દર્શનીય હોય છે. આ અનુષ્ઠાનને ચિંતામણી અનુષ્ઠાન પણ કહેવાય છે, માં ઉમાએ પતિસ્વરૂપે શિવજીને પ્રાપ્ત કરવામાં આ અનુષ્ઠાન કર્યું હતું.આ ઉપરાંત દેવાધિદેવ મહાદેવ ના પરમભક્ત રાવણે શિવ તાંડવની રચના કરી તે પહેલાં આ અનુષ્ઠાન કર્યાનું કહેવાય છે.અત્રે નોંધનીય છે કે આ અગિયારસો શિવલિંગ બનાવવામાં આ પરિવારના બે થી ત્રણ સભ્યોને ત્રણથી ચાર કલાકની દૈનિક મહેનત કરવી પડે છે.આ કામ તેઓ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે.અહીંયા સિદ્ધપુર શહેર સહિત આજુબાજુના ગામોમાંથી ભગવાન શિવજીના અલગઅલગ સ્વરૂપના શિવલિંગના દર્શન કરવા ભાવિક ભક્તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આવતા હોય છે.તેમજ તેના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. હર હર મહાદેવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here