ગુજરાત પેટર્ન યોજના હેઠળ નર્મદા જિલ્લામાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે રૂા. ૨૨૨૫.૫૫/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૮૧૮ વિકાસ કામો : ૩૨૧૮ લાભાર્થીઓ આવરી લેવાયાં

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠક

મંજુર થયેલા તમામ વિકાસ કામો સમયસર હાથ ધરીને નિયત સમયાવધિમાં ગુણવતાયુક્ત પૂર્ણ થાય અને લક્ષિત લાભાર્થીઓને આ વિકાસકામોના ફળ સમયસર પહોંચે તે જોવા ની ખાસ હિમાયત

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ રૂા.૨૨૨૫.૫૫/- લાખના ખર્ચના ૮૧૮ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ૩૨૧૮ લાભાર્થીઓ આવરી લેવાયાં છે.
સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખો સહિત આદિજાતિ વિકાસ મંડળના અન્ય સદસ્ય, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા, પ્રાંત અધિકારી શૈલેશ ગોકલાણી અને આનંદ ઉકાણી, પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધીયા ઉપરાંત અન્ય અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી અને મંડળના અધ્યક્ષ પૂર્ણેશભાઇ મોદીએ જિલ્લાની વિકાસકૂચ આગળ ધપાવવા મંજુર થયેલા તમામ વિકાસ કામોને સમયસર હાથ ધરીને નિયત સમયાવધિમાં ગુણવતાયુક્ત પૂર્ણ થાય અને લક્ષિત લાભાર્થીઓને આ વિકાસકામોના ફળ સમયસર પહોંચે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી ના અધ્યક્ષપદે યોજાયેલી આજની આ બેઠકમાં જિલ્લામાં પાક કૃષિ વ્યવસ્થા, પાક કૃષિ વ્યવસ્થા (બાગાયત), પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોધ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, વિજળીકરણ, ગ્રામ અને લઘુઉદ્યોગ, રસ્તા અને પુલો, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠા અંગે મૂડી ખર્ચ, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન યોજના વગેરે જેવા સદર હેઠળ જિલ્લામાં કુલ રૂા.૨૨૨૫.૫૫/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૮૧૮ જેટલા વિકાસ કામોની તાલુકાવાર વિગતોમાં નાંદોદમાં રૂા.૫૬૦.૩૦/- લાખના ખર્ચે ૨૧૩ કામો, ગરૂડેશ્વરમાં રૂા. ૩૫૮.૩૨/- લાખના ખર્ચે ૧૪૭ વિકાસકામો, દેડીયાપાડામાં રૂા.૬૩૪.૪૬/- લાખના ખર્ચે ૧૯૯ વિકાસકામો, સાગબારામાં રૂા. ૪૨૩.૬૬/- લાખના ખર્ચે ૧૫૩ વિકાસકામો અને તિલકવાડા તાલુકામાં રૂા. ૨૪૮.૮૧/- લાખના ખર્ચે ૧૦૬ જેટલા વિકાસ કામોની મંજૂરીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂા.૨૨.૨૫ કરોડથી પણ વુધની રકમનું નર્મદા જિલ્લાનું ગુજરાત પેટર્નનું બજેટ મંજૂર કરાયું છે, ત્યારે ગ્રાસરૂટ લેવલે વિકાસકામો હાથ ધરીને છેવાડાના માનવી સુધી જરૂરી સુવિધાઓ મળી રહે તેવા સૌના સહિયારા પ્રયાસો રહ્યાં છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ હેઠળ જિલ્લાની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરીને અનેકવિધ યોજનાઓના અમલ સાથે નર્મદા જિલ્લો પણ અન્ય જિલ્લાની હરોળમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. બેઠકમાં પૂર્ણેશ મોદીએ ગત ૨૦૨૧-૨૨ ના વર્ષના રૂા.૨૨.૯૧ કરોડના મંજૂર થયેલા ૧૧૭૨ વિકાસકામોની સમીક્ષા કરી હતી જેમાં ૮૫૧ કામો પૂર્ણ થવાની સાથે પ્રગતિ હેઠળના ૩૨૧ કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સૌને આવકાર્યા હતા. પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધીયાએ બેઠકનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here