અમદાવાદ : NCP શહેર યુવા મોરચા, પત્રકાર ધવલ પટેલ અને કિસાન આગેવાન પાલભાઇ આંબલીયાની વ્હારે આવ્યું…

અમદાવાદ,
પ્રવાસી પ્રતિનિધિ

પત્રકાર ધવલ પટેલ અને કિસાન આગેવાન પાલભાઇ આંબલીયા પર સરકાર દ્વારા થયેલા અમાનવીય અત્યાચારની વિરૂધ્ધમાં ફેરવિચારણા કરીને તેમના પરથી ફોજદારી ગુનો હટાવવામાં આવે

NCP પ્રદેશ અધ્યક્ષ અને માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ યુવા પ્રદેશ પ્રમુખ NCP પંકજભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જીલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સહીત ભારતદેશમાં પણ કોરોનાનો કહેર પ્રસરાઇ રહ્યો છે, ઉગતા-આથમતા સુરજની સાથે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને હાલ એ લોકડાઉનનો ચોથો ચરણ ચાલી રહ્યો. આવી કપરી પરિસ્થિતિમાં સામાન્ય જન જીવન ખોરવાઈ પડ્યું છે અને માનવભક્ષી એવા કોરોનાને લઈને રોજે-રોજ અવનવી વાતો સોશિયલ મીડિયામાં વહી રહી છે. જ્યારે અમુક સમયે તો સરકારની કાર્યપ્રણાલી ઉપર પર અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે..!! જેથી સરકારે પણ મન મોટું રાખી લોકોમાં ઉદભવતા સવાલોનો શક્ય હોય ત્યાં સુધી ખુલાસો આપવો જરૂરી બને છે અને જે પ્રશ્નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના વિરુદ્ધમાં હોય તો સરકારે આંખ આડા કાન કરી પોતાની કાબિલિયતને સાબિત કરી બતાવવી જોઈએ..!! પરંતુ ભૂતકાળમાં બનેલા બે બનાવોને લઈને સરકાર દ્વારા ઉતાવળે લેવાયેલા નિર્ણયો આજે પણ મુખ્ય મથાળે ચમકી રહ્યા છે. જેના વિરુદ્ધમાં ગતરોજ નેશનાલીસ્ટ યુથ કોંગ્રેસ ગુજરાત રાજ્ય દ્વારા અમદાવાદ કલેકટરને આવેદનરૂપે રજૂઆત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ગતરોજ નેશનાલીસ્ટ યુથ કોંગ્રેસ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આજકાલ ગુજરાત સરકારમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સરકારની સામે અવાજ ઉઠાવે તેના પર કાયદેસરની કાર્યવાહી કરીને તેનો અવાજ દબાવી દેવાનો, પણ ગુજરાત સરકાર ભૂલી ગઈ છે કે લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર છે. તાજેતરમાં ફેસ ઓફ નેશન નામના ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલે લખ્યું હતું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી બદલાઈ રહ્યા છે, આટલું લખવા પર ધવલ પટેલની પાસા હેઠળ ધડપકડ કરવામાં આવી છે, જો આવું લખવાથી ફોજદારી ગુનો બનતો હોય તો અમને નથી લાગતું કે આ દેશમાં લોકશાહીનું પાલન થઇ રહ્યું છે. જેથી પત્રકાર ધવલ પટેલ અને કિસાન આગેવાન પાલભાઇ આંબલીયા પર સરકાર દ્વારા થયેલા અમાનવીય અત્યાચારની વિરૂધ્ધમાં ફેરવિચારણા કરીને તેમના પરથી ફોજદારી ગુનો હટાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.

આ બાબતને લઈને એન.સી.પી પ્રદેશ અધ્યક્ષ અને માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ યુવા પ્રદેશ પ્રમુખ એન.સી.પી પંકજભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ ગત રોજ અમદાવાદ શહેર યુવા મોરચા એન.સી.પી તરફથી પત્રકાર ધવલ પટેલ અને કિસાન આગેવાન પાલભાઇ આંબલીયા પર સરકાર દ્વારા થયેલા અમાનવીય અત્યાચારની વિરૂધ્ધમાં ફેરવિચારણા કરીને તેમના પરથી ફોજદારી ગુનો હટાવવાની રજુઆત સાથે અમદાવાદ જીલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું… જેમાં અમદાવાદ શહેર પ્રમુખ યુવા રાજનભાઇ ઠક્કર, ઓઢવ વોર્ડ યુવા પ્રમુખ સુરેશભાઇ ગોસ્વામી અને ઉપપ્રમુખ વિજયભાઇ પટેલ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here