અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિ દિને પુષ્પાંજલિ કરી “એકતા યાત્રા” કાઢવામાં આવી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

એક દિવસ યાદ કરવાથી, ફુલહાર પહેરાવી દેવાથી કે નમન કરી લેવાથી રુણ ચૂકવી દેવાતું નથી.જેમણે પોતાનો પરિવાર, સમાજ છોડીને પોતાના જીવની પરવા કર્યા વગર દેશની આઝાદી માટે, નિર્માણ માટે સમય આપ્યો, જીવન આપ્યું આજે એમના પરિવારજનો કઇ સ્થિતિમાં છે તેની ચિંતા કે જાણકારી આઝાદ ભારતના નાગરિકોના માનસમાં જોવા પણ મળતી નથી: દિનેશ બારીઆ

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ સરદાર પટેલની જન્મ જયંતિ દિને ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે “એકતા યાત્રા” કાઢવામાં આવી હતી તથા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી નમન કર્યા હતા. ઘોઘંબા તથા હાલોલ તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.
આજના પ્રસંગે પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, ૩૧ મી ઓક્ટોબર ભારત દેશના ઇતિહાસમાં ગૌરવશાળી દિવસ ગણાય છે ૧૮૭૫ ના વર્ષમાં આ દિવસે આજે જેમણે દુનિયા સરદાર પટેલ થી ઓળખે છે તેમનો જન્મ ગુજરાતના નડીઆદ માં થયો હતો. વ્યવસાયે વકીલ એવા વલ્લભભાઈ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં અને પ્રવૃત્તિઓમાં જોડાયા. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહ વખતે સફળ નેતૃત્વ કર્યું અને “સરદાર” નું ઉપનામ મળ્યું. સરદાર પટેલ નું વ્યક્તિત્વ નિડરતાથી ભરેલું હતું, બુલંદ અવાજ જાણીતો હતો. ગાધીજીએ તેમને “લોખંડી પુરુષ ” તરીકે નામ આપ્યું હતું. ૧૯૪૭ માં ભારત દેશ આઝાદ થયા બાદ પહેલો પડકાર નાના મોટા પાંચસો થી પણ વધારે દેશી રાજા રજવાડાઓને એક કરવાના હતા, દેશમાં વિલિનીકરણ કરવાનું હતું. આ કામ અસામાન્ય અને જટિલ હતું પરંતુ આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની આગવી કાર્ય શૈલી અને કોઠાસૂઝ થી ૫૬૨ જેટલાં દેશી રજવાડાઓને દેશમાં વિલિનીકરણ કરવાનું સફળ કામ કર્યું એમાં ખાસ કરીને જૂનાગઢ રાજ્ય, હૈદરાબાદ રાજ્યનું એકીકરણ કરવા માટે વિશેષ ઉપાય પણ કરવા પડ્યાનો ઇતિહાસ જાણવા મળે છે. જ્યાં જરૂર લાગી ત્યાં રાજાઓ સામે સામ, દામ, દંડ, ભેદ નીતિ અપનાવીને પણ દેશનું નિર્માણ કર્યું છે. અને તેથી જ તેમને અખંડ ભારતના ઘડવૈયા, એકતાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે.
દેશની આઝાદી માટે લડતા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું દેશ માટે શું બલિદાન અને યોગદાન છે તે સમજવા માટે આજની પેઢીએ ઇતિહાસને વાંચવો, જાણવો અને સમજવો જોઈએ. ઇતિહાસ જાણીશું ત્યારે મહાન સ્વતંત્ર્ય સેનાનીઓની પ્રત્યે અનેક ઘણું ગૌરવ વધી જશે તેમના જીવનમાંથી પ્રેરણા મળશે, સાહસ વૃત્તિ વધશે, દેશ માટે કંઈક કરવાની ભાવના વધશે. આજે દુઃખ પણ એ વાતનું થાય છે કે આટલા ટૂંકા ગાળામાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાન ભૂલવા લાગ્યા છીએ જેમણે પોતાનો પરિવાર, સમાજ છોડીને પોતાના જીવની પરવા કર્યા વગર દેશની આઝાદી માટે સમય આપ્યો, જીવન આપ્યું આજે એમના પરિવારજનો કઇ સ્થિતિમાં છે તેની ચિંતા કે જાણકારી આઝાદ ભારતના નાગરિકોના માનસમાં જોવા પણ મળતી નથી. સરકારો અને નેતાઓ તો માત્ર રાજકારણમાં જ રચ્યા પચ્યા જોવા મળે છે. એક દિવસ યાદ કરવાથી, ફુલહાર પહેરાવી દેવાથી કે નમન કરી લેવાથી રુણ ચૂકવી દેવાતું નથી. સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિસ્વાર્થ ભાવે દેશ માટે બલિદાન આપ્યું આજે તેમના પરંપરાગત પરિવારજનોમાં પણ આ સંસ્કાર દેખાય છે પરંતુ દેશ વાસીઓએ અને ખાસ કરીને સરકારે સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાનીઓના પરિવારજનો માટે વિશેષ કંઇક કરવું જોઈએ તેવી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ચિંતા વ્યક્ત કરી છે અને માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here