સિધ્ધપુરમાં બીજા દિવસે પાણીની પાઈપલાઈનમાંથી મૃત માનવીના અવશેષો મળવાનો ઘટનાક્રમ યથાવત

સિદ્ધપુર, (પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ એલસીબી ટીમે ઘટના સ્થળની તપાસ કરી

પાટણ કલેકટર બન્ને ઘટનાસ્થળની સાંજે મુલાકાત લેવાના હોવાથી લાલડોશીની પોળ ની જગ્યાને કોર્ડન કરી આજુબાજુના વિસ્તારમાં દવા છંટકાવ કરાયો… ટ્રાફિક પણ ડાયવર્ટ કરાયો

સિધ્ધપુર શહેરમાંથી પાણીની પાઈપલાઈન માંથી મૃત અવશેષ મળવાનો ઘટનાક્રમ બીજા દિવસે પણ યથાવત રહેવા પામતા શહેરીજનો સહિત જિલ્લાની પ્રજામાં અરેરાટી સાથે ચકચાર વ્યાપી જવા પામી છે.આવું જર્ધન્ય કૃત્ય આચરનારા પાપી નરાધમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.આજ રોજ શહેરના લાલડોશીની પોળ પાસે પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઈપલાઈન નું ખોદકામ ચાલતું હતું ત્યારે ફરીથી ૧૨ ના ગાળાની પાઈપલાઈન માંથી મૃત માનવીના અવશેષ પૈકી એક પગ કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવતા પાલિકાતંત્ર સહિત પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.મૃત માનવીના આ અવશેષને બાદમાં પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યા હતા.આજે ફરીથી મૃત અવશેષ પાઈપલાઈનમાંથી મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા કુતૂહલવશ ઉમટી પડ્યા હતા. જેમાં લોકો તરેહ-તરેહની અનેક ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. ડીવાયએસપી કે.કે.પંડ્યાએ અત્યારસુધી માં પાઈપ લાઈનમાંથી મૃત માનવ શરીરના અવશેષના બે ભાગ મળ્યા હોવાનું જણાવ્યું હતું.ત્યારે હજુ આ મૃત માનવ શરીરના બાકી અવશેષો પાઈપલાઈનમાંથી જ મળશે કે પછી અન્ય સ્થળેથી મળશે તે ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.અત્રે નોંધનીય છે કે ગતરોજ મળેલા મૃત અવશેષોનો પેનલ પીએમ રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી ત્યાં બીજાદિવસે પણ મૃત માનવીના અવશેષ મળી આવતા આનો પીએમ રિપોર્ટ ક્યારે આવશે અને આ સનસનીખેજ સન્સ્પેન્સ ક્રાઈમ ઉપરથી પડદો ક્યારે ઉચકાશે તેની શહેરીજનો સહિત જિલ્લાવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા એસપી વિશાખા ડબરાલ સિદ્ધપુર આવી ઘટનાસ્થળ સહિત તપાસ અંગેની માહિતી મેળવી હતી.આ મૃત માનવીના અવશેષો કોઈ નરાધમો દ્વારા હરઘુડિયા વિસ્તારમાં આવેલ ૧૮ મિટર ઊંચી ઓવરહેડ ટાંકી માં નાખી ગયા હોવાની આશંકા પ્રબળ બની રહી છે.જો આ શક્યતા સાચી હોય તો આવા નરાધમોને આવુ જર્ધન્ય કૃત્ય આચરવા છૂટો દોર કેવી રીતે મળ્યો હશે તે એક તપાસનો વિષય છે.આ બાબતે સત્વરે ઝડપી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.આ કૃત્ય જે હરઘુડિયા વિસ્તારમાં ઘટવા પામી છે તે નિર્જન અને અવાવરું જેવો હોવાથી અહીં અસામાજિક અને લુખ્ખા તત્વો અડિંગો જમાવતા હોવાની તેમજ સભ્ય નાગરિક ત્યાંથી અવરજવર કરવામાં પણ સંકોચ અને ખચકાટ અનુભવતો હોય છે.આથી આવા તત્વોને રાત્રીના અંધકારમય અને સુમસામ સ્થળે ગુનાઓ આચરવા તેમજ નશાખોરી ને અંજામ આપવાનું સુરક્ષિત સ્થળ બની જવા પામ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે પોલીસતંત્ર યોગ્ય કરે તે જરૂરી છે.આ ઉપરાંત પાલિકાતંત્ર આ વિસ્તારને હાઈમર્શ હેલોઝન વિજ પોલ તેમજ હાઈફાઈ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે તે જરૂરી છે.સિધ્ધપુર પોલીસતંત્ર દ્વારા નાનામોટા ગુનાઓ સત્વરે ઉકેલી કાઢતી હોય છે ત્યારે સમગ્ર જિલ્લામાં સનસનીખેજ ઉપજાવનાર આ ગુનાને સત્વરે ઉકેલશે કે કેમ તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે.
.
સિધ્ધપુર ચીફ ઓફિસર સંજયભાઈ એચ.પટેલ દ્વારા વોટ્સ વર્ક્સના ઈજનેર વિનુભાઈ પટ્ટણીને વોટર સપ્લાયમાં દાખવવામાં આવેલ બેદરકારી અને વર્તણુકને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ દર્શાવી તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા તેમનો ચાર્જ સર્વેયર ધર્મેશભાઈ ધોરીને સોંપાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here