સિધ્ધપુર ઔ.સ.બ્રાહ્મણ સમાજની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રીઅંબાજી માતાજીનો ૩૦૩ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

સિધ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુરના ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી રાજ રાજેશ્વરી શ્રીઅંબાજી માતાજીનો ૩૦૩મો પાટોત્સવ મહા વદ બીજને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. રાજરાજેશ્વરી શ્રીઅંબાજી માતાજી જે સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજની કુળદેવી છે તેના ઇતિહાસ વિશે મંદિર કમિટીના પ્રમુખ સુધીરભાઈ શુક્લા તેમજ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ પંડ્યાએ જણાવેલ કે ઈ.સ.૯૩૬માં ચક્રવર્તી સમ્રાટ ગુર્જર નરેશ શ્રીમૂળરાજ સોલંકી દ્વારા ઐતિહાસિક રુદ્રમહાલય મંદિરનાં નિર્માણ તેમજ તેની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્તર દિશા માંથી ૧૦૩૭ વેદપાઠી બ્રાહ્મણોના પરીવારોને શ્રીસ્થળની પાવન ધરા ઉપર દાન-દક્ષિણા તેમજ રાજપાટ આપી અહીં વસાવ્યા હતા ત્યારથી જ અહીંયા ઔ.સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની કુળદેવી તરીકે શહેરના મધ્યમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી આંબાવાડીમાં શ્રીઅંબાજી માતાજીનું પ્રાચીન સ્થાનક આવેલ છે આ નિજ મંદિરનો ૩૦૩ વર્ષ પૂર્વે મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવીન મંદિર બનાવી ત્યાંજ અંબાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારથી પ્રતિવાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં પાટોત્સવ પર્વ નિમિત્તે વહેલી સવાર થીજ માતાજીના નિજમંદિરે માઇ ભકતો દર્શન કરવા, પૂજા-પાઠ તેમજ ચંડીપાઠનું પઠણ શ્રવણ કરવા ઉમટ્યા હતા. મંદિર કમિટી દ્વારા આજરોજ વહેલી સવારથી જ માતાજીના મંદિરે માતાજીનો મહા અભિષેક,ષોડશોપચાર પૂજન,મંત્ર પુષ્પાંજલિ,શ્રીંગાર આરતી બાદ મંદિર પરિસરમાં માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞના આચાર્ય તરીકે જ્ઞાતિ ગોર સુધીરભાઈ શુક્લા તેમજ ગોર પ્રતિનિધિ દિનેશભાઈ શુક્લા સહિત સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર માહોલ ભક્તિમય બની જવા પામ્યો હતો.આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે પ્રકાશભાઈ મનુપ્રસાદ ભટ્ટ તેમજ ભાવેશભાઈ રમેશચંદ્ર શુક્લા પરિવારે લાભ લઇ શ્રીઅંબાજી માતાજી તેમજ શ્રી ભવાનીશંકર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આજે સાંજે ચાર વાગ્યે માતાજીના હોમાત્મક નવચંડી યજ્ઞની પુર્ણાહુતી બાદ શહેરના રાજમાર્ગો ઉપર માતાજીની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.જે આંબાવાડી થી પથ્થર પોળ,છુવારા ફળી,અલવાનો ચકલો, પશુવાદળની પોળ, રુદ્રમહાલય,દરબાર ગઢ, મંડી બજાર,ધર્મચકલાથી હનુમાન ગલી થઈ માતાજીની પાલખી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી બાદ માતાજીની મહાઆરતી કરાઈ હતી ત્યાર બાદ મંદિર કમિટી દ્વારા દરેક માઈ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here