સિદ્ધપુરમાં ઊંચા પોલ ઉભા કરી મોટી એલઈડી લાઈટો ફિટ કરવા શહેરી જનોની માંગ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પ્રજ્વલિત થતી ટમટમીયા સમાન એલઈડી સ્ટ્રીટલાઈટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વર્ષેદહાડે લાખો રૂપિયા સ્ટ્રીટલાઈટ કર નામે શહેરી જનો પાસેથી ઉઘરાવી લેતી નગરપાલિકા રાત્રી સમયે પૂરતા પ્રકાશવાળી લાઈટોની સગવડ ઉપલબ્ધ કરાવવામાં પણ ઉણી ઉતરી રહી છે.આથી દીવા તળે અંધારા સમાન ભાસતી ઓછો પ્રકાશ આપતી એલઈડી લાઈટના બદલે વધુ પ્રકાશ આપતી એલઈડી લાઈટો નવા ઊંચા પોલ ઊભા કરી ફિટ કરવામાં આવે એવી શહેરી જનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.
સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેર માં એલઈડી લાઈટો ફિટ કરવામાં વ્હાલા દવાલા નીતિ અખત્યાર કરાઈ હોવાની બુમરાડ ઉઠવા પામી છે. શહેરના જુના ગંજબજાર વિસ્તાર માં ઊંચા પોલ ઉભા કરી વધુ પ્રકાશવાળી એલઈડી લાઈટો ફિટ કરવામાં આવી છે.જ્યારે શહેર ના મોટા ભાગના વિસ્તારોમાં ટમટમિયા સમાન ભાસતી ઓછા પ્રકાશવાળી જ એલઈડી લાઈટો જ ફિટ કરવામાં આવી છે.આથી રાત્રીના સમયે આવી લાઈટો દ્વારા પૂરતા પ્રમાણ માં પ્રકાશ ફેલાતો ના હોવાથી દીવા તળે અંધારા સમાન ભાસતું હોય છે.આ નાની એલઈડી લાઈટોથી લોકોને રાત્રીના સમયે બિલકુલ ઓછું દેખાતું હોય છે એમાંય વયસ્કોને તો રાત્રીના સમયે બહાર નીકળવું પણ દુષ્કર બની જવા પામ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ શહેરને ઝળહળતું કરવા અને લાઈટબિલનો બોજો ઓછો કરવાના સોનેરી સ્વપ્નાઓ સેવી આખા શહેર મા સરસ પ્રકાશ ફેલાવતી ટ્યુબલાઈટોને દૂર કરી કરોડો રૂપિયાના ખર્ચે એલઈડી લાઈટો લગાવાઈ હતી.આ ઓછા વોલ્ટેઝ વાળી એલઈડીથી ટ્યુબ લાઈટથી પણ સારો પ્રકાશ ફેલાશે એવો તર્ક રજૂ કરી આ લાઈટો ફિટ કરવામાં આવી હતી પરંતુ ખરેખર ટ્યૂબ લાઈટથી પણ ઓછો પ્રકાશ આ એલઈડી આપતી હોવાથી આ લાઈટો નો શહેરીજનોમાં શરૂઆતથી જ અંદરખાને વિરોધ સહ ઉગ્ર આક્રોશ જોવા મળતો હતો.નગર પાલિકા તંત્ર સત્વરે નવા ઊંચા નવા પોલ ઉભા કરી ઓછા પ્રકાશવાળી લાઈટો ના બદલે વધુ પ્રકાશવાળી એલઈડી લાઈટો ફિટ કરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here