પાટણ જિલ્લાના તત્કાલીન પ્રાથ. શિક્ષણાધિકારી દ્વારા સિદ્ધપુર તાલુકામાં ફાજલની બદલી અટકાવવા તેમજ કેમ્પ વગર બદલી કરવા બાબતે 2 શિક્ષિકાઓએ નિયામક સમક્ષ ગંભીર રજૂઆત કરતા ખળભળાટ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં વહીવટી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.પૂર્વ જિલ્લા પ્રાથ. શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ 2 શિક્ષિકાએ ગંભીર રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.બદલી કેમ્પ વિના પણ ચોક્કસ શિક્ષકોની બદલી કરી આપી તો કેટલાક શિક્ષકો ફાજલ પડતાં બદલી થતાં ઓર્ડર અટકાવી દીધાની રજૂઆત થઈ હોવાનું જાણવા મળેલ છે.તો વળી ફાજલ શિક્ષકો વગર ભણાવ્યે છેલ્લા 5-6 મહિના થી જૂની શાળામાં જ હોવાની લેખિત ફરિયાદ થઈ છે.!! સમગ્ર બાબતે તત્કાલીન ડીપીઈઓ સામે જિલ્લાની જ 2 શિક્ષિકાએ છેક નિયામકને ફરિયાદ કરતાં દોડધામ મચી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કેટલાક શિક્ષકો પણ અન્યાય નો ભોગ બન્યા છે..પરંતુ વહીવટ સામે અવાજ ઉઠાવ્યો નથી.તો બીજી તરફ સમગ્ર જિલ્લા માં શિક્ષકો મંજૂરી વગર બેરોકટોક અપડાઉન કરી રહ્યા હોવા છતાંય વહીવટી તંત્ર કેમ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી તે મુદ્દો પણ ચર્ચાની એરણે ચઢ્યો છે.
પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બાબુભાઈ ચૌધરી ફરજ બજાવતા હતા. તેઓ રિટાયર્ડ થતાં જ કથિત કૌભાંડની રજૂઆત માં ઘોડાપુર આવ્યું છે. કેટલાક દિવસો અગાઉ શિક્ષક નરેશ રાવલે રજૂઆત કર્યા બાદ હવે સિધ્ધપુર તાલુકાની સેદ્રાણા અને મેથાણ પ્રાથમિક શાળા માંથી ડીસેમ્બર 2020 ના કેમ્પમાં વધ પડીને તાલુકા બહાર ગયેલ 2 શિક્ષિકાએ નામજોગ વિગતો દર્શાવતી ફરિયાદ નિયામક,ગાંધીનગર ને કરતાં હડકંપ મચી ગયો છે.આ રજુઆત માં ગત 1 ડિસેમ્બર 2020 ના રોજ થયેલ ફાજલ શિક્ષકોની બદલીમાં 3 ની બદલી અટકાવવામાં આવી હોવાનું કહ્યું છે.કુલ 3 શિક્ષિક મૂળ સિધ્ધપુર તાલુકામાંથી ફાજલ થઈ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં બદલી થયા હતા.જોકે તેમનો ઓર્ડર અટકાવી દઈ સિધ્ધપુર તાલુકામાં જ જાળવી રાખી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ રજુઆત માં કર્યો છે.આ સાથે એક શિક્ષકને બદલી કેમ્પ વગર સાંતલપુર તાલુકામાંથી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા છે.જ્યારે રાધનપુર તાલુકાની એક શિક્ષિકાને સ્વ વિનંતીથી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા હોવા પાછળ ગેરરીતિ આચરાઈ હોવાની રજૂઆત કરી છે. હાલ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતી કુલ 2 શિક્ષિકા એ આ ઉપરાંત વધુ ગંભીર અને શંકા ઉપજાવતી રજૂઆત કરી છે.જેમાં શિક્ષક બદલીના કેમ્પમાં જે-તે સ્થળ દર્શાવેલ નહિ હોવા છતાં સાંતલપુર તાલુકાની શિક્ષિકાની બદલી સિધ્ધપુર તાલુકામાં કરી આપી છે.તત્કાલીન ડીપીઈઓ ચૌધરીએ મનસ્વી રીતે અને પૈસાની લેવડ-દેવડ કરી કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ મૂકી અરજદાર બંને શિક્ષિકા બહેનોએ ન્યાયિક તપાસની માંગ કરી છે.આ સાથે કસૂરવાર જણાય તો કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી ખોટાં ઓર્ડર રદ્દ કરવા પણ રજૂઆત કરી છે.આ લેખિત રજૂઆતમાં દર્શાવેલ વિગતોને લઈ પાટણ જિલ્લા સહિત સિદ્ધપુર તાલુકાના શિક્ષક આલમનો માહોલ ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here