પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયા

રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે હાલોલની નૂતન હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું, કોરોના સામે તકેદારીઓનું પાલન કરતાં પરીક્ષાની તૈયારીમાં મન લગાવવા જણાવ્યું

જિલ્લાની ૩૧૬ ઉપરાંત શાળાઓમાં બોર્ડના વર્ગો માટે શિક્ષણકાર્યની શરૂઆત, ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિપત્રો આપ્યા

રાજય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે શાળામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ

ઇશાક રાંટા, ગોધરા(પંચમહાલ)

હાલોલ તાલુકાના નવાકુવા ગામે આવેલ નુતન વિદ્યાલય ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે ૨૯૪ દિવસ શાળાઓ બંધ રહ્યા બાદ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે કોરોના સામે તકેદારીઓના શિક્ષણકાર્ય ની શરૂઆત થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ આવકારતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે કોરોના સંક્રમણ સામે લીધેલા લોકડાઉન સહીતના સમયસરના પગલાંને પરિણામે દેશમાં કોરોનાની વિપરીત અસરો વિશ્વની તુલનાએ મંદ જોવા મળી છે. આ સમયમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ માર્ચ મહિનાથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ જૂન મહિનાથી આ મહામારીના સમયમાં પણ બાળકોનું શિક્ષણ બગડે નહીં, આ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ડીડી ગિરનાર, વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ વગેરે ડિજિટલ માધ્યમો દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણકાર્ય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું હતું. જે આજદિન સુધી ચાલુ જ છે, પરંતુ હવે રાજ્યમાં કોરોનાના કેસો હળવા થતા આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્યના વર્ષો હોય તેમના માટે પ્રથમ ચરણના ભાગરૂપે પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.
જેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી વાલીની સંમતિ સાથે વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ મેળવવા આવ્યા છે. શાળાઓ દ્વારા પણ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ૧૬મી જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ રહી છે ત્યારે સત્રના બાકી રહેલા સમયનો સદઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નબદ્ધ થવા અને અતિ મહત્વનો એવો ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસક્રમ સારી રીતે પૂર્ણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. અભ્યાસ અને બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા સાથે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકોને કોરોનાથી બચવા અંગે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા અને કોઈ ઢીલાશ ન દાખવવા પણ તાકીદ કરી હતી જેથી સંક્રમણનો ભોગ બની પરીક્ષા અગાઉ કોઈ પણ વિદ્યાર્થી ના કિંમતી દિવસો ન બગડે.
ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને આવકારતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ પંચાલે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન અને બાદમાં પણ શાળાઓ બંધ હતી ત્યારે રૂબરૂ સંપર્ક કરીને શિક્ષકોએ બાળકો સુધી અભ્યાસનું મટીરીયલ અને વિષયવસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સંસાધનોની મર્યાદાના કારણે ઓનલાઇન શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણ જેટલું અસરકારક નીવડ્યું નથી. તો હવે ફરીથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે આ કિંમતી તકને ઝડપી લઈને બોર્ડની પરીક્ષાઓની સારી રીતે તૈયારી કરવા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ જિલ્લાની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને જરૂર અને માંગ હશે તો બોર્ડની પરીક્ષા સુધી શનિવાર રવિવારે પણ શિક્ષણકાર્ય માટે શાળા ખુલ્લી રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની કુલ ૩૧૬ શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે સંમતિ પત્રોની શરત સાથે શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. સલામત સામાજિક અંતર જળવાય તેમ દરેક વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી કેવડીયાની શ્રી વંદના વિદ્યાલય ખાતે, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ શહેરાની શ્રી એસ.જે. દવે હાઇસ્કુલ ખાતે, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ કાનોડની શ્રી કે.કે. વિદ્યામંદિર અને મહેલોલ ખાતે આવેલી શ્રી જી.ડી. શાહ એન્ડ જે.આઈ. પંડ્યા હાઇસ્કૂલ ખાતે, સરદાર સરોવર નિગમના ચેરમેનશ્રી સરદાર સિંહ વાસિયાની મુક્તજીવન સ્વામી બાપા હાઇસ્કુલ તેમજ સાંપાની શ્રી નવજીવન હાઇસ્કુલ ખાતે તેમજ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here