G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે વડોદરા ઝોનની ૨૬ નગર પાલિકાઓમાં તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ સિટીવોક (મેરેથોન) નું આયોજન

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

G-20 સિટિવોક (મેરેથોન) નગરપાલિકા વિસ્તારમાં ચાર કિ.મી.ના રૂટ પર યોજવામાં આવશે

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુમ્બકમ્” ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત બન્યું છે.જેના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈરહી છે.

સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ જુદા જુદા કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોનના પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં તા. ૨૧.૦૨.૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ કલાકે G-20 સિટિવોક (મેરેથોન) નગરપાલિકા વિસ્તારમાં ૪.૦૦ કિ.મી.ના રૂટ પર યોજવામાં આવશે. આ G-20 સિટિવોક (મેરેથોન)માં નગરપાલિકા વિસ્તારના મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ તેમજ અન્ય ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા નગરપાલિકાના નાગરિકો ભાગ લેનાર છે.

આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારની શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો, સખી મંડળો, ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. NCC તથા NSS જેવી સંસ્થાઓ પણ તેમાં જોડાશે.

આ અંગે વધુ વિગતો આપતાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરાના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે હાલ G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજયમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળી રહે તે ધ્યાને લઇ વડોદરા ઝોનના વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર તથા પંચમહાલ એમ ૦૬ જિલ્લાની મળી કુલ ૨૬ નગરપાલિકાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સમગ્ર વર્ષ દરમિયાન જુદાં-જુદાં માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here