વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદના ૩૨ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં દબદબાભેર ઉજવણી

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસર, અમદાવાદના ૩૨ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સર્વ પ્રથમ ધ્યાનસ્થ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે જનમંગલસ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન, અર્ચન, પુષ્પહાર અર્પણ કરી અન્નકૂટ ધરાવી પાટોત્સવની આરતી ઉતારી હતી. ત્યાર બાદ વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદના નિર્માતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું પૂજન અર્ચન કરી અન્નકૂટ ધરાવી પાટોત્સવની આરતી ઉતારી હતી. ત્યારબાદ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન કરવામાં આવ્યું. સંતો ભક્તો દ્વારા તૈયાર થયેલ અન્નકૂટ મહાપ્રભુને ધરાવી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી.

આવા દિવ્ય પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સ્મૃતિ મંદિરનું નામ આવતાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પરમ સ્મૃતિ થાય. વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે, જેના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પડે છે. સ્મૃતિ મંદિર એવું ગુરુભક્તિનું એક અલૌકિક નજરાણું છે, જેને કોઈ ઉપમા ન આપી શકાય. જ્યારથી સ્વામીબાપાનો અંતિમ સંસ્કાર વિધિ ત્યાં કરવામાં આવ્યો અને મંદિરનું કામકાજ ચાલતું હતું તે પૂર્વે અને પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ પણ ત્યાં અખંડ દીપની જ્યોત પ્રગટે છે. જે કોઈ ભક્તોની અંતરકામના હોય તે શ્રદ્ધાળુઓ સ્મૃતિ મંદિરના દર્શનનો નિયમ રાખે છે. અખંડ જ્યોતમાં ઘી પૂરે છે, તેમના સંકલ્પો આજ દિન સુધી સ્વામીબાપાએ પુરા કર્યા છે. આજે પુરા કરી રહ્યા છે અને એમની અસીમ કૃપા છે કે ભવિષ્યમાં પણ પૂરા કરશે. આવું અદ્વિતીય સ્મૃતિ મંદિર ગુરુભક્તિનું નૌતમ નજરાણું, સર્વેને શાંતિ આપનારું છે. આવા દિવ્ય પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હજારો હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here