પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વ્યકિતઓના એસેસમેન્ટ કેમ્પના આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા છે,તેમને પ્રોત્સાહિત કરીને સ્વાવલંબી બનાવવા તરફ આગળ વધવા તાકીદ કરતા જિલ્લા કલેકટરશ્રી

આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ્પનું આયોજન કરાશે

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની દિવ્યાંગ વ્યકિતઓ માટે અમલીકૃત એડીપ (ADIP) યોજના અંતર્ગત ભારત સરકારની એલીમ્કો કંપની દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં આગામી દિવસોમાં સ્ક્રીનીંગ કેમ્પ (એસેસમેન્ટ કેમ્પ)ના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત કેમ્પનું આયોજન કરાશે.એલીમ્કો કંપની મારફત દિવ્યાંગ લોકોને વિવિધ સાધન સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા હોય છે.પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગોને આઇડેન્ટિફાઇ કરીને અગ્રીમ હરોળમાં લાવવા માટેના તમામ હકારાત્મક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. દિવ્યાંગોની ભાવનાને સમજીને તેમને સ્વાવલંબી બનાવવા તરફ સૌ કોઈએ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આગામી કેમ્પમાં વધુમાં વધુ દિવ્યાંગ લોકોને લાભ લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેશ ચૌધરી,સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોના પંડ્યા,પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here