રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે કોવિડની સારવારના દરો નક્કી કરાયા : રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

કોરોનાના દર્દીઓ પાસેથી હવે ખાનગી હોસ્પિટલો સારવાર માટે મોટી રકમ નહીં વસુલી શકે : દર્દીઓને રાહત

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારોમાં અગાઉ નિર્ધારિત કરાયેલા દરો જ અમલી રહેશે : જ્યાં અગાઉ દર નિર્ધારિત નથી કરાયા ત્યાં આ દરો અમલી

રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોવિડ-૧૯ના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની જોગવાઈઓને આધીન રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના ખર્ચે આપવામાં આવતી સારવારના દરો નિયત કર્યા છે.

આઈ.સી.યુ. ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વૉર્ડમાં પ્રતિદિન રૂ. ૫,૭૦૦ અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન રૂ. ૮,૦૭૫ નો સીલીંગ રેટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે આઈ.સી.યુ. ની સુવિધા સાથેની આરોગ્યલક્ષી સારવાર માટે પ્રતિદિન-પ્રતિ બેડનો વૉર્ડનો દર રૂ. ૬,૦૦૦, હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી. યુ. નો દર રૂ. ૮,૫૦૦, આઈસોલેશનની સાથે આઈ.સી.યુ. ની સેવાના દર રૂ. ૧૪,૫૦૦ અને વેન્ટિલેટર- આઈસોલેશન અને આઈ.સી.યુ. સાથેના દર રૂ. ૧૯,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે આ અંગેના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિયત કરેલા આ દર અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. કારણ કે, આ વિસ્તારોમાં આ પહેલાં-શરૂઆતથી જ ભાવો નિયત કરી દેવામાં આવ્યા છે. માં અને માં-વાત્સલ્ય યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ કરાયેલ છે એવી હોસ્પિટલોમાંમાં અને માં-વાત્સલ્ય યોજનાના લાભાર્થી તરીકે જે દર્દીઓ સારવાર મેળવશે તેમને માં અને મા-વાત્સલ્ય યોજનાથી નિયત થયેલા દરો લાગુ પડશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિયત કરેલા આ દરોમાં ટૉસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ તથા સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવારમાં જરૂરી દવાઓ અને પ્રોફિલેક્સિસમાં વપરાતી હાયર એનિબાયોટિક્સનો સમાવેશ થતો નથી. એટલું જ નહીં, સ્પેશિયલ ડોક્ટર વિઝીટ, લેબોરેટરી ચાર્જીસ તથા પ્રતિ ડાયાલિસિસના રૂ. ૧,૫૦૦ અને આઈસીયુમાં ડાયાલિસિસના રૂ. ૩,૫૦૦ નો પણ આ દરોમાં સમાવેશ થતો નથી.

નક્કી કરવામાં આવેલા આ દરોમાં બે ટાઈમનું ભોજન, સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો તથા પી.પી.ઈ. કીટ્સ, એન-95 માસ્ક, તમામ રૂટીન દવાઓ, રૂમ ચાર્જીસ અને નર્સિંગ ચાર્જીસનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here