મોરવા હડફ તાલુકાના વિવિધ ગામોમાં હોલિકાદહન નિમિત્તે મતદાન કરવા માટે પ્રતિજ્ઞા

મોરવા(હ),(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી અંતર્ગત આગામી ૧૭ એપ્રિલે મતદાન યોજાવાનું છે, જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પેટાચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આવેલી તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સાથે સાથે પ્રતિજ્ઞાપત્ર વાલીઓ સુધી પહોંચાડી વાલીઓના હસ્તાક્ષર સાથે પ્રતિજ્ઞાપત્રો પરત મંગાવવામાં આવ્યા હતા, બીજી તરફ મોરવા હડફ તાલુકામાં હોળીના તહેવારનું વધારે મહાત્મ્ય રહેલું છે, ત્યારે હોલિકાદહન કાર્યક્રમ દરમ્યાન પણ લોકોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં ગામના સ્થાનિક આચાર્ય, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા, એસએમસી, એસએમડીસીના સભ્યો વગેરેએ ઉપસ્થિત રહીને પ્રતિજ્ઞાપત્રનું વાંચન કર્યું હતું, મોરવા હડફ તાલુકાના સંતરોડ મુખ્ય બજાર તેમજ અન્ય સોસાયટીઓ, મોરવા, માતરિયા, રામપુર, વંદેલી, સાગવાડા, મોરા મુખ્ય, સુલિયાત, મેત્રાલ, ચોપડા, ખટવા, રતનપુર, ભુવર જેના નાનામોટા ગામોમાં હોલિકા દહન કાર્યક્રમ દરમ્યાન મતદાન કરવા માટે આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ૧૨૫ મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરવા હડફ તાલુકાના ૫૨, સંતરામપુર તાલુકાના ૪૨, ગોધરા તાલુકાના ૫ અને દેવગઢ બારીયા તાલુકાના ૦૧ ગામ એમ કુલ ૧૦૦ જેટલા ગામમાં હોલિકા દહન દરમ્યાન મતદાર જાગૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જેમાં ૧૫,૦૦૦ જેટલા મતદારોએ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા શિક્ષણાધકારી શ્રી બી એસ પંચાલના માર્ગદર્શન હેઠળ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પારેખ, સુજીતભાઈ પરમાર અને બીઆરસી કો ઓર્ડીનેટર દિનેશભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here