મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પ આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો…

મોરવા(હ) પંચમહાલ) ઈશહાક રાંટા :-

મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર મડિટેક્ટ કરતા ટેસ્ટ સમયસર કરાવવા આગ્રહ કર્યો

મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં ડાયાલિસીસની સુવિધા કાર્યરત કરાશે

પંચમહાલ જિલ્લામાં PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પની શ્રેણીને આગળ ધપાવતા આજે મોરવા હ઼ડફ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અને હેલ્થ કેમ્પનું ઉદઘાટન કરતા આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકા મથકોએ આપ કે દ્વાર આયુષ્માન અંતર્ગત પીએમજેએવાય-મા કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પો યોજીને 31મી ઓક્ટોબર સુધી 2 કરોડથી વધુ વ્યક્તિગત કાર્ડ ઈશ્યુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પૈસાના અભાવે ખાનગી કે એડવાન્સ સારવાર ન મેળવી શકતા નાગરિકોના લાભાર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમલી બનાવેલ મા યોજનાને આગળ વધારતા જરૂરતમંદ એવા તમામ લોકોને આવરી લેવાનાં ઉદેશ્ય સાથે કામગીરી કરવામાં આવી રહી છે અને આ યોજના લાભાર્થીઓને અનુકૂળ બનાવવા અને મહત્તમ લોકોને આવરી લેવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ આપવા, તબીબી સહિતના કારણોસર થમ્બ ઇમ્પ્રેશન અને આઇરિસ સ્કેનિંગ શક્ય ન હોય તેવા કિસ્સાઓમાં ઓટીપીનાં આધારે લાભ આપવા, આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી માન્ય ગણવા સહિતનાં જનહિતકારી પગલા સરકારે લીધા છે. આ ઉપરાંત આ કાર્ડ ધારકોને હોસ્પિટલમાં અગ્રીમતાના ધોરણે સારવાર મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 80 લાખથી વધુ પરિવારો આ યોજના હેઠળ વર્લ્ડ ક્લાસ મેડિકલ ફેસિલીટી મેળવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સમયસર ટેસ્ટ ન કરાવવાને પગલે સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સમય રહેતા ડિટેક્ટ થતા નથી અને ઘણા મહામૂલા જીવન આ સામાન્ય તકેદારી ન રાખવાનાં પગલે ગુમાવવા પડે છે ત્યારે આજે હેલ્થ કેમ્પમાં સ્તન કેન્સરની ચકાસણી કરવાના મેમોગ્રાફી અને સર્વાઈકલ કેન્સર માટેના પેપ સ્મીયર ટેસ્ટ વિનામૂલ્યે કરવાની સુવિધા સંજીવની રથના માધ્યમથી કરવામાં આવી છે તેનો સ્થાનિક બહેનો મહત્તમ માત્રામાં તેનો લાભ લે તેવી આગ્રહભરી વિનંતી તેમણે સ્ટેજ પરથી કરી હતી.
મોરવા હડફ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ વધારવાના આયોજન અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કિડની ફેઈલ્યોર સહિતના કારણોસર ડાયાલિસીસ કરાવવાની જરૂર પડતી હોય તેવા દર્દીઓનાં લાભાર્થે ટૂંક સમયમાં મોરવા હડફ અને ત્યારબાદ મોરા સીએચસી ખાતે પણ ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગોધરા ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે તેમ જણાવતા મેડિકલ કોલેજ શરૂ થતા આ વિસ્તારના નાગરિકોને તબીબી સારવાર ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળશે તેમ ઉમેર્યું હતું.
દેશે 278 દિવસનાં ટૂંકાગાળામાં કોરોના પ્રતિરોધક રસીના 100 કરોડથી વધુ ડોઝ આપવાની મેળવેલ સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતા તેમણે કોરોનાની સારવાર અને રસીકરણ માટે અથાક મહેનત કરતા આરોગ્ય કર્મચારીઓને, સિવિલ હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રનાં તબીબો-નર્સો તેમજ સ્ટાફને બિરદાવ્યા હતાં તેમજ કોઈને પણ વેક્સિનના બે પૈકી જે પણ ડોઝ લેવાનાં બાકી હોય તે સમયસર લઈ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કોરોના કાળમાં ઉત્તમ કામગીરી બજાવનારા કોરોના વોરિયર્સને સન્માનપત્રો, લાભાર્થીઓને પીએમજેએવાય-મા કાર્ડ, નિક્ષય પોષણ સહાય યોજનાના લાભાર્થીઓને રોકડ સહાયના ચેક, વિકલાંગતાના પ્રમાણપત્રો, વોકર-વ્હીલચેર, ન્યુબોર્ન બેબી કીટનું વિતરણ પણ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકી અને બાંધકામ સમિતીના ચેરમેન શ્રી વિક્રમસિંહ ડિંડોળે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડે સ્વાગત પ્રવચન અને ડો. પ્રદિપ ભુરિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ મોરવા હડફ સીએચસીના સ્ટાફ અને સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ, જરૂરિયાતોને સાંભળ્યા હતા તેમજ વધુ બહેતર સેવાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કર્યા હતા.
કાર્યક્રમમાં મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખસુશ્રી ધર્મિષ્ઠાબેન માલીવાડ, શ્રી ધવલભાઈ દેસાઈ સહિતના અગ્રણી આગેવાનો- પદાધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રી જે.કે. બારોટ, ડાયરેક્ટર પીએમજેએવાય- ડો. કાપડિયા, સીડીએચઓ ડો. મિનાક્ષીબેન ચૌહાણ, ડો. એમ.પીસાગર, આરસીએચ ડો.પી.કે.શ્રીવાસ્તવ, ડો. બી.કે. પટેલ, ટીએચઓ ડો. સતીષ પવાર, મોરવા હડફ સીએચસીનો સ્ટાફ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here