મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા શિવરાજપુરની શ્રી કે.વી.એસ. હાઈસ્કૂલમાં નવ નિર્મિત પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ..

હાલોલ,(પંચમહાલ) સંજય ગોહિલ :-

પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા આજે શિવરાજપુરની શ્રી કે.વી.એસ. હાઈસ્કૂલમાં નવ નિર્મિત પ્રાર્થના હોલ અને નવીનીકરણ પામેલ કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ તથા પુસ્તકાલયને વિધાર્થીઓના લાભાર્થે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉત્તમોત્તમ શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા વર્તમાન સરકાર કટિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણના ઉત્તમ વિકલ્પો મળી રહે તે માટે સરકાર સતત નવા શૈક્ષણિક સંસ્થાનોનો વિકાસ કરી રહી છે. જાંબુઘોડામાં પોલિટેકનિકના નિર્માણ માટે રૂ.28 કરોડ તેમજ સાયન્સ કોલેજ માટે રૂ.20 કરોડ ફાળવવામાં આવ્યા છે તે આ બાબતની સાબિતી પૂરે છે. હાલોલના જાંબુડી ખાતે 100 વીઘાની જમીન ઓર્ગેનિક યુનિવર્સિટી માટે ફાળવવામાં આવી છે. મંત્રીશ્રીએ વિકાસયાત્રાનો ચિતાર આપતા આરોગ્યસેવા ક્ષેત્રે ક્રાંતિ લાવનારી 108 એમ્બ્યુલન્સ સેવા, અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં પાકા રસ્તાઓનું નિર્માણ, આરોગ્ય વીમા ક્ષેત્રે મા અમૃતમ યોજના, ખેડૂતભાઈઓને વાર્ષિક રૂ.6,000/-ની સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના સહિતની સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ દ્વારા આવેલ હકારાત્મક પરિવર્તનો અંગે વાત કરી હતી. સરકારે કોરોના કટોકટી દરમિયાન સંવેદનશીલ અને દૂરંદેશીભર્યા અભિગમ અપનાવી અસરગ્રસ્ત વર્ગોના કલ્યાણ માટે કરેલ વિનામૂલ્યે અનાજ વિતરણ સહિતના રાહતકાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે સરકારની નિર્ણાયકતા અને સક્રિયતાના પગલે જ કોરોના વિશ્વની તુલનાએ ભારતમાં ઓછો વિનાશક રહ્યો છે. મંત્રીશ્રીએ લોકાર્પણ કરેલ સુવિધાઓનું નિરીક્ષણ કરી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રાર્થના હોલની સુવિધા જી.એમ.ડી.સી. ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા રૂ.19.08 લાખની અનુદાન સહાયથી તેમજ કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ તથા પુસ્તકાલયનું નવિનીકરણ હાલોલ પોલિકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ આ સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં મજબૂત કદમ બની રહેશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જી.એમ.ડી.સી.ના જનરલ મેનેજરશ્રી એન.બી. પટેલ, સંસ્થાના મંત્રીશ્રી હરિશભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ જી. પટેલ, શ્રી મનોરસિંહ બી. રાઠોડ તેમજ આચાર્યશ્રી બી.બી. રાઠવા તેમજ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here