પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા,શહેરા,હાલોલ,કાલોલ અને મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ તેમજ ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લાના મહિલા સ્વસહાય જૂથોને રૂ.૨૩૪.૭૩ લાખની સહાયનું વિતરણ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.પંચમહાલ જિલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યશ્રીઓ,મહાનુભાવો અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા તથા ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી કરાઈ હતી.

સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે પંચમહાલ જિલ્લામાં સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૨૩૪.૭૩ લાખની સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં હાલોલ વિધાનસભાના શિવરાજપુર છાત્રાલય પાસે, હાલોલ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા વિસ્તારના રૂ.૫૯ લાખ ૨૨ હાજરની સહાયનું વિતરણ કરાયું હતું.

શહેરા વિધાનસભાના બસ સ્ટેન્ડ સામેનું ગ્રાઉન્ડ, ગામ ડોકવા ખાતેથી નવનિયુક્ત રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની ઉપસ્થિતિમાં રૂ.૪૪ લાખની સહાયનું વિતરણ કરાયું હતું.

કાલોલ વિધાનસભાના પાંચ પથરા તાલુકો ઘોઘંબા ખાતેથી ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.૨૯ લાખ ૩૦ હજારની સહાયનું વિતરણ કરાયું હતું.

મોરવા હડફ વિધાનસભાના પુષ્પદીપ સ્કુલની સામે મોરવા હડફ ખાતેથી ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.૧૨ લાખ ૫૦ હજારની સહાયનું વિતરણ કરાયું હતું.

ગોધરા વિધાનસભાના એસ.આર.પી. ગ્રૂપ-૫ના મેદાન, ગોધરા ખાતેથી ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,ગોધરા, શ્રીમતી રંજનબેન રાઠોડ પ્રમુખશ્રી તાલુકા પંચાયત ગોધરા,પ્રાંત અધિકારીશ્રી તથા જિલ્લા અગ્રણી શ્રી અશ્વીનભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ રૂ.૧૮ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી.સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

ગોધરા ખાતેથી ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારશ્રીએ મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે,આજે નારીશક્તિ સમાજમાં સન્માન મળ્યું છે.આજે દેશના સર્વોચ્ચ પદ પર મહિલાઓને સ્થાન મળ્યું છે.તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળતાપૂર્વક સમાપન અને છેવાડાના વ્યક્તિઓને સરકારશ્રીની યોજનાઓના લાભ પહોંચાડવા બદલ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મહિલાઓએ પણ વિવિધ લાભ બદલ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.ગોધરા ખાતેથી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવતએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરાયું હતું.

અહીં નોંધનિય છે કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત પ્રયાસો થકી જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં વિવિધ મહાનુભાવો,હોદ્દેદારો,અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here