પાલનપુર ખાતે મંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યંક્ષસ્થાસને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ લાખો મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યા છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનતાની સાથે ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે

ઓબીસી બીલ લાવી ગુજરાત સહિત દેશભરના કરોડો ગરીબોના વિકાસના માર્ગ લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખોલી આપ્યા છે

આપણા ગુજરાતને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સંકલ્પબધ્ધ બનીએ

કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી મળતાં ખેડૂતોના રાતોના ઉજાગરા હવે બંધ થયા છે

આ સરકારે શિક્ષિત અને દિક્ષિત ગુજરાત બનાવવાની દિશામાં નક્કર પગલાં લીધાં છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની આ સરકાર ગરીબોની, વંચિતોની, પીડીતોની, શોષિતોની, આદિવાસીઓની દરકાર લેનારી સરકાર છે

રાજયની જનતાની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટે સરકાર કટીબધ્ધ છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બનવાની દિશામા આગળ વધી રહ્યું છે

પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, સ્વાતંત્ર્ય દિનના આ મંગળ પર્વેના રાષ્ટ્રની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા નામી-અનામી તમામ સ્વાતંત્ર્યવીરો, શહિદો, કોરોના વોરીયર્સને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ લાખો નામી અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, સાવરકરજી જેવા અસંખ્ય મહાપુરુષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે જબરજસ્ત સંઘર્ષ કર્યો, જેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે ‘એક રાષ્ટ્ર’ બનાવ્યું તો બીજા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘શ્રેષ્ઠ રાષ્ટ્ર’ બનાવવાની દિશામાં નક્કર કદમ માંડ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ દૂર કરીને ગુજરાતના બે સપુતો શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહે હિન્દુસ્તાનને સાચા અર્થમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સ્વતંત્ર બનાવતા આજે સમગ્ર ભારતમાં શાનથી રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનતાની સાથે ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે.તેમણે ગુજરાતને ખોબલે ખોબલે અઢળક ખુશીઓ આપી છે. અમદાવાદ અને સુરત મેટ્રો રેલની મંજૂરી અને ગુજરાતને એઇમ્સની ભેટ, બુલેટ ટ્રેન, રીવરફ્રંટ, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજજો, વર્લ્ડ ક્લાસ ગાંધીનગર રેલવે સ્ટેશન, રાજકોટમાં નવુ અદ્યતન એરપોર્ટ, અનેક નવી ટ્રેઇનની ગુજરાતને ભેટ સાથે સંસદમાં નવુ ઓબીસી બીલ લાવી ગુજરાત સહિત દેશભરના કરોડો ગરીબોના વિકાસના માર્ગ લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખોલી આપ્યા છે. મંત્રીશ્રીએ આઝાદીના આ પાવન પ્રસંગે આપણા ગુજરાતને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સંકલ્પબધ્ધ બનાવા જણાવ્યું હતું.
મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ‘ટીમ ગુજરાત’ આપણા ગુજરાતને ‘ઉત્તમથી સર્વોત્તમ ભણી’ લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી અવિરત જનસેવાના મહાયજ્ઞનું ગુજરાતે નવ દિવસ સુધી અદભુત અનુષ્ઠાન કરી જનસેવાના આ મહાયજ્ઞમાં ૧૬,૦૦૦ ઉપરાંત જનહિતલક્ષી કાર્યક્રમોમાં ગુજરાતના ૪૮,૫૬,૦૦૦ ઉપરાંત નાગરિકોને વિવિધ યોજના અન્વયે રૂપિયા ૧૩,૦૦૦૦ કરોડના વિકાસ કાર્યોનો લાભ અપાયો છે. માત્ર નવ દિવસમાં આટલા મોટા ફલક ઉપર યોજનાકીય લાભો આપી ગુજરાતે ઇતિહાસ સર્જ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આ સરકાર કિસાનો કલ્યાણ માટે સક્રિય અને સંકલ્પબ્ધ છે. કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી મળતાં ખેડૂતોના રાતોના ઉજાગરા હવે બંધ થયા છે. રાજ્યના પાંચ હજારથી વધુ ગામોના ૪,૫૦,૦૦૦ ખેડુતોને દિવસે વીજળી મળતી થઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂપિયા ૧૯,૧૦૦ કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક ટન કરતાં પણ વધારે ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરીને તેમનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવ્યું છે. સાત પગલાં ખેડૂત કલ્યાણનાં અંતર્ગત વર્ષ-૨૦૧૮થી અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ૯૯,૦૦૦ કરોડ ઉપરાંતની અલગ અલગ યોજનાઓ અન્વયે કિસાનોને આર્થિક સહાય આપી છે. આ ઉપરાંત કુદરતી આફતોને અવસરોમાં પલટાવી કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ હતો અને હમણાં થોડા સમય પહેલાં જ તાઉ-તે નામનું મહાવિનાશક વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું ત્યારે સરકારે આગોતરી વ્યવસ્થા અને સુચારૂ કામગીરી કરવાથી જાનમાલને વધુ નુકશાન અટકાવી શકાયું છે. આ સરકારે શિક્ષિત અને દિક્ષિત ગુજરાત બનાવવાની દિશામાં નક્કર પગલાં લીધાં છે. મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણુ ગુજરાત આજે શિક્ષણનું હબ બન્યું છે. ઓનલાઈન શિક્ષણ, બાયસેગ દ્વારા શૈક્ષણિક કાર્ય, ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા અભ્યાસ વગેરે પગલાં લઇને કોરોના મહામારીના કાળમાં પણ વિદ્યાર્થીઓના શિક્ષણને ઉની આંચ આવવા દીધી નથી. રાજ્યમાં ૧૬,૦૦૦ ક્લાસ રૂમોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી આધુનિક શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની આ સરકાર ગરીબોની, વંચિતોની, પીડીતોની, શોષિતોની, આદિવાસીઓની દરકાર લેનારી સરકાર છે. ૧૨,૮૦૦ સેવા સેતુના કાર્યક્રમોના માધ્યમથી રાજ્યના બે કરોડથી વધુ લોકોને તેમના ઘર આંગણે જઈને તેમને જરૂર હોય એવા ૫૬ સરકારી દસ્તાવેજો પુરા પાડ્યા છે. કોરોના કાળમાં ૬૮.૮૦ લાખ ગરીબ એનએફએસએ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી શહેરી તેમજ ગ્રામ્ય આવાસ યોજના હેઠળ લાખો ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન આ સરકારે સાકાર કર્યું છે. પેસા એક્ટના કાયદા હેઠળ ૯૦ લાખથી વધુ આદિવાસીઓનું આર્થિક સશક્તિકરણ કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ ૧૩ લાખ એકર કરતાં વધુ જંગલની જમીનના લાભ આદિવાસીઓને આપ્યા છે. આદિવાસી યુવાનોના ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૩૪૨ કરોડના ખર્ચે રાજપીપળામાં આકાર લેનાર બિરસા મુંડા વિશ્વ વિદ્યાલયનું તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભુમિપૂજન કરાયું છે. રાજ્યના આદિવાસીઓના કલ્યાણ માટે ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-૨ લાવવમાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, કચ્છ વિસ્તારમાં એક મિલિયન એકર ફીટ નર્મદાના વધારાના પાણી માટે સરકારે નક્કર આયોજન કર્યું છે. યુવા શક્તિના સામર્થ્યને સમજીને યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટેના પ્રયાસો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ લાખ યુવાનોને રોજગાર- સ્વરોજગારના અવસરો પુરા પાડી બે લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપી છે. તા. ૬ઠ્ઠી ઓગષ્ટ ‘રોજગાર દિવસ’ નિમિત્તે એક જ દિવસમાં ૬૨,૦૦૦ યુવાનોને સરકારી નોકરીના નિમણૂંક પત્રો આપ્યા છે. તેમણે કહ્યું કે, મહિલા સશકિતકરણની દિશામાં આ સરકારે અનેકવિધ પગલાં લીધા છે. ૬૦,૦૦૦ થી વધુ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’નો લાભ આપ્યો છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે ૧૦,૦૦૦ મહિલા સ્વસહાય જૂથની રચના કરી તેમને ઝીરો ટકા વ્યાજે કોઈપણ જામીન વગર રૂપિયા ૧૪૦ કરોડની ધિરાણ સહાય આપી છે. ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય વધારીને સગીર વયનો પુત્ર થાય એટલે સહાય બંધ કરવાની શરત દુર કરતા ૧,૨૫,૦૦૦ બહેનોને બદલે હવે રાજ્યની ૧૬ લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને રૂપિયા ૧,૨૦૦ કરોડની સહાય આપી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં રાજ્યના નાગરિકોની આરોગ્યૂ સુરક્ષા માટે આ સરકારે રાત-દિવસ કામ કર્યુ છે. ‘થ્રી-ટી’ એટલે કે ટ્રેસીંગ, ટેસ્ટીંંગ અને ટ્રીટમેન્ટા ના મંત્ર સાથે રાજ્યના ખૂણે ખૂણામાં કોરોના મહામારી સામે ગુજરાતે મક્કમ મુકાબલો કર્યો છે. લોકડાઉન દરમિયાન ૩,૩૦૦ કરતાં વધુ ધનવન્તરી રથના માધ્યમથી ૨.૫ કરોડથી વધુ લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડી છે. ડબલ્યુ.એચ.ઓ.એ ગુજરાતના ધનવંતરી રથની સેવાને બિરદાવી હતી એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ઘટના છે એમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે રાજ્યમાં વેક્શિનેશનની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આજે ગુજરાત વેક્સિનેશન પ્રોગ્રામમાં દેશભરમાં અગ્ર હરોળમાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આપણે ઓક્સિજન ટેન્ક, હોસ્પિટલમાં બેડ તથા મેડિસીનની યોગ્ય વ્યવસ્થાની આગોતરી તૈયારીઓ કરી દીધી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આગોતરું આયોજન કરી ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતાં ૧,૧૫૦ મેટ્રિક ટનથી વધારીને ૧,૮૦૦ મેટ્રિક ટન કરવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત આઈ.સી.યુ બેડની સંખ્યા ૧૫,૦૦૦ થી વધારીને ૩૦ હજાર, વેન્ટીલેટર ૭ હજારથી વધારીને ૧૫ હજાર કરવાનું સુદ્રઢ આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. આ યોજના અન્વયે આવા પ્રત્યેક બાળકને પ્રતિમાસ રૂપિયા ૪,૦૦૦ આપવામાં આવે છે. લોકોના ધંધા રોજગાર પુન: થાળે પાડવા રૂપિયા ૧૪,૦૦૦ કરોડની માતબર રકમનુ આર્થિક પેકેજ આપવામાં આવ્યું છે.
મત્રીશ્રીએ કહ્યું કે, રાજયની જનતાની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટે સરકાર કટીબધ્ધ છે. આતંકવાદીઓના સફાયા માટે ગુજસીટોક કાયદાનો અમલ, ભૂ માફિયાઓને સખત નસિયત આપવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, દિકરીઓની સુરક્ષા માટે લવ જેહાદ વિરૂધ્ધ કાયદો, પાસા એક્ટમાં સુધારો કરીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. અસામાજિક તત્વો ઉપર સખત લગામ કસવા માટે ગુંડા એક્ટ પસાર કર્યો છે. વિશ્વાસ અને સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ દ્વારા રાજ્યના ખૂણે ખૂણાની સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત જળ સિંચન, જળ વ્યવસ્થાપન અને જળ વિતરણ ક્ષેત્રે પણ ગુજરાતે ઉત્તમ કામગીરી કરી છે. સૌની યોજનામાં પહેલા તબક્કામાં ૧,૬૫,૦૦૦, બીજા તબક્કામાં ૩,૭૭,૦૦૦ અને ત્રીજા તબક્કામાં ૨,૪૩,૦૦૦ એકર વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા પુરી પાડી છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી જળ સંચયનું દેશભરમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને ૬૧,૭૮૧ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં આપણે વધારો કરી શક્યા છીએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી વાસણભાઇ આહીરે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બનવાની દિશામા આગળ વધી રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર લઈ રહ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં સ્કાયલાઈન બિલ્ડિંગ બનશે. તેમણે ઉમેર્યુ કે, હવે તો આપણું ગુજરાત સીંગાપુર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જગતમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ કોમ્પલેક્ષ આપણા ગુજરાતની શાન છે.
મંત્રીશ્રીએ ગુજરાતના પ્રવાસન વિકાસની વાત કરતાં કહ્યું કે, કચ્છમાં ધોરડો વ્હાઇટ ડેઝર્ટ, અંજારમાં જેસલ-તોરલ સમાધી, મોઢેરા સૂર્ય નગરી સાબરમતી આશ્રમ, વડનગર ડેવલપમેન્ટ પ્રોજેકટ, જુનાગઢમાં ઉપરકોટ, અમરેલી જિલ્લામાં આંબરડી સફારી પાર્ક, રૈયોલી (બાલાસિનોર) ખાતે ડાયનોસોર મ્યુઝીયમ અને ફોસીલ પાર્ક, દ્રારકા નજીક શિવરાજપુર બ્લુ બીચ… વગેરે પ્રવાસન સ્થળોના વિકાસ તેમજ પ્રવાસીઓની સુવિધા માટે પ્રવાસન વિભાગ દ્રારા વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. ગિરનારમાં એશિયાનો સૌથી ઊંચો રોપ-વે આગવી અલગ પહેચાન છે. તેમણે કહ્યું કે, ધોળાવીરા ખાતે પાંચ હજાર વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળેલ, જેને તાજેતરમાં યુનેસ્કો દ્રારા વર્લ્ડ હેરીટેજ જાહેર કરવામાં આવેલ છે. જયાં પ્રવાસન સુવિધાઓનો વિકાસ અને વૃધ્ધિ માટે પ્રવાસન વિભાગ દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસન વિકાસની વાત કરતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પ્રસિધ્ધ શકિતપીઠ આવેલ છે. અંબાજી યાત્રાધામનો ભારત સરકારની પ્રસાદ સ્કીમ હેઠળ સમાવેશ કરી, રૂપિયા ૪૪ કરોડના ખર્ચે વિકાસ કરવાની મંજુરી આપી છે. જિલ્લામાં નડાબેટ ખાતે આવેલ ઝીરો પેાઈન્ટને બેાર્ડર ટુરીઝમ તરીકે વિકસાવવા માટેની કામગીરી રાજય સરકારે વર્ષ-૨૦૧૬થી ફેઝ વાઇઝ શરૂ કરેલ છે. ભારતીય સીમા સુરક્ષા દળ ધ્વારા ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરીનો સમન્વય કરી મુલાકાતીઓ માટે સીમા દર્શન કાર્યક્રમ શરૂ કરી ભારત પાકિસ્તાન બેાર્ડરની મુલાકાતની સાથે સાથે સીમા સુરક્ષા દળ ધ્વારા કરવામાં આવતી રીટ્રીટ સેરેમની જોવાનો પણ લાભ મળે છે. નડાબેટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ ધ્વારા કરવામાં આવતી કામગીરી જેમાં નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. નડાબેટ ખાતે મીગ-૨૭ એરક્રાફટ, સરફેસ મિસાઇલ, એર મિસાઇલ, આર્ટિલરી ગન અને ટેન્ક ટી-૫૫ જેવા શસ્ત્રો પણ ગોઠવવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજય સરકારના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં સંખ્યાુબંધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. જિલ્લા વહીવટ તંત્રની સમગ્ર ટીમે કોરોનાના કપરા કાળમાં ખૂબ જ નિષ્ઠા અને ધગશથી ફરજ બજાવી છે એ સૌને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ખુબ સારો વિકાસ થયો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને સ્કુલ ઓફ એક્સલન્સ હેઠળ આગામી દિવસોમાં શાળાઓ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ થશે. જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ચાલુ વર્ષે ૧૪૮૭ બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાયો છે. જિલ્લામાં આ વર્ષે ૩,૦૦૦ જેટલાં બાળકોએ ખાનગી શાળાઓને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લીધો છે. તેમણે કહ્યું કે, દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાઓને છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ-૨૦૨૦-૨૧માં ૨૧.૮૮ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજયમાં પ્રથમ નંબરે છે. નર્મદાનાં પવિત્ર નીરની બનાસકાંઠામાં પધરામણી થતાં જિલ્લાનો પશ્વિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધધ બન્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી આઠ હપ્તાનમાં રૂપિયા ૨,૦૦૦ લેખે રૂપિયા ૬૩૦ કરોડથી વધુ રકમની સહાય ખેડુતોના ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે. સાત પગલાં ખેડુત કલ્યાણના યોજના અંતર્ગત ૧,૯૬૩ ખેડુતોને રૂપિયા ૪૪૭ લાખની સહાય તેમના ખાતામાં જમા કરાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખેતી અને પશુપાલન ક્ષેત્રે સફળતા મેળવ્યા બાદ હવે બનાસકાંઠા જિલ્લો બાગાયતી પાકોનું હબ બન્યો રહ્યો છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત હાલ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, ડીસા, કાંકરેજ અને ભાભર તાલુકાના ખેડુતોને દિવસે વીજળી આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ સુધી રાજ્યના તમામ ખેડુતોને તબક્કાવાર દિવસે વીજળી આપવાનું આયોજન છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરી ટીમવર્કથી પરિણામદાયી કામગીરી કરવામાં આવી છે. કોરોના આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એકપણ ઓક્સિજન પ્લાાન્ટ નહોતો, હાલ જિલ્લામાં ૯ ઓક્સિજન પ્લાાન્ટ શરૂ થઇ ગયા છે. અને ૨૧ પી.એસ.એ. પ્લાજન્ટ શરૂ કરવાનું આયોજન છે. બનાસકાંઠામાં કોવિડ ટેસ્ટીંગ માટે બે લેબોરેટરીમાં રોજના ચાર હજાર સેમ્પલનું ટેસ્ટીંગ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્તમ રસીકરણ કરી કોરોના રોગને અટકાવી શકાય તે માટે અત્યાર સુધી જિલ્લામાં ૧૧,૧૦,૦૦૦ થી વધુ લોકોને રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિકાસને વરેલી આ સરકારે સંખ્યાબંધ વિકાસના કામો કર્યા છે. જિલ્લાના ડીસા શહેરમાં ૩.૭ કિ.મી. રાજ્યમાં સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ, જે ભારત દેશનો પ્રથમ ૧૦૫ સીંગલ પિલ્લર ધરાવતો એલીવેટેડ બ્રિજ છે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ફોરલેન બનવવાનું કામ સહિત અનેક વિકાસના કામો આ સરકારે કર્યા છે.
આ પ્રસંગે વિશિષ્ટિ કામગીરી કરનાર ૨૮ જેટલાં વ્યક્તિઓનું મંત્રીશ્રીના હસ્તે શાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું. કાર્યક્રમમાં રાજયસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીભલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી અશ્વિન સક્સેના, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here