પંચમહાલ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ફળશ્રુતિ… ગોધરા તાલુકાની ખજૂરી સરકારી શાળાને ૨૩,૫૦૦/- નું દાન મળ્યું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

કુલ ૨૮ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો,શાળામાં પ્રજ્ઞા વર્ગ,જ્ઞાન કુંજ વર્ગ,રમત ગમતનું મેદાન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ

ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની’ની થીમ સાથે રાજ્યભરમાં યોજાયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે પંચમહાલ જિલ્લાની સરકારી શાળાઓ માટે દાનની સરવાણીનો મહોત્સવ પણ બન્યો છે.વાત કરીએ ગોધરા તાલુકાની ખજૂરી પ્રાથમિક શાળાની તો ૦૯ શિક્ષકો સાથે આ શાળામાં ૨૨૩ બાળકો અભ્યાસ કરે છે.શિક્ષણ વિભાગ અને ગ્રામ લોકોના સહિયારા પ્રયાસો થકી આ શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.જેમાં પ્રજ્ઞા વર્ગ,જ્ઞાન કુંજ વર્ગ,રમત ગમતનું મેદાન,કંપાઉન્ડ વોલ,કોમ્પ્યુટર વર્ગ,ટીવી,રેમ્પ,શેડ સહિતની સુવિધાઓ ધરાવતી આ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વખતે કુલ ૨૮ નાના ભૂલકાઓને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ અપાયો છે.
શાળા પ્રવેશોત્સવ વખતે ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી લાલાભાઈએ જણાવ્યું હતું કે,
૧૮૧૬ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ૧૯૫૮માં સ્થપાયેલ પ્રાથમિક શાળાની સાથે સરકારી માધ્યમિક શાળા પણ અહીં ઉપલબ્ધ છે.ગ્રામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તથા લોકો આ શાળાને એક પરિવારના રૂપમાં માને છે.વારે તહેવારે આ શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો હોંશે હોંશે યોજાય છે.ગ્રામ લોકોના સહયોગ થકી આજે શાળા પ્રવેશોત્સવ વખતે કુલ ૨૩,૫૦૦/- નું દાન આ શાળાને મળ્યું છે જેનો ઉપયોગ શૈક્ષણિક કાર્યોમાં કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ સમયે વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું.શાળામાં વૃક્ષારોપણ સાથે એસ.એમ.સી કમિટીની બેઠક પણ યોજાઈ હતી.
આ પ્રસંગે દરુણીયા માધ્યમિક શાળાના આચાર્યશ્રી આસિફ મન્સૂરી,CRCશ્રી સમીર રાણા,પાણી પુરવઠા વિભાગના અધિક મદદનીશ ઇજનેરશ્રી શિવાંગીની,માર્ગ અને મકાન વિભાગનાશ્રી મહેશભાઈ,તલાટી કમ મંત્રીશ્રી,
ગામના સરપંચશ્રી ભલાભાઈ નાયક,પૂર્વ સરપંચશ્રી કે.એમ.પરમાર,એસ.એમ.સી.કમિટીના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ,આચાર્યશ્રી,શિક્ષણગણ સહિત મોટી સંખ્યામાં યુવાનો,વડીલો અને બાળકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here