પંચમહાલ : વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું

તુલસી સહિત 16,000થી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરા

આજે રોપાયેલ છોડવાઓ વૃક્ષો બની લહેરાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક :- જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન થીમ પર થયેલ આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અને કોરોનાને ધ્યાનમાં રાખીને તુલસી સહિતના ઔષધીય છોડવાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. હાલોલના કંજરી ગામ નજીક યુપીએલ કંપનીના સહયોગથી યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું કે તાઉતે વાવાઝોડામાં ઘણા વૃક્ષો નાશ પામ્યા છે, નુકસાન પામ્યા છે ત્યારે આપણું ગ્રીન કવર જળવાઈ રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો બમણા જોશથી હાથ ધરવાની જરૂર છે અને રોપાયેલ આ તમામ છોડવાઓ વૃક્ષો બની લહેરાય ત્યાં સુધી તેમની સુરક્ષા અને માવજત કરવી પણ એટલું જ આવશ્યક છે. યુપીએલ દ્વારા સીએસઆર પ્રવૃતિ અંતર્ગત ફરજિયાત રીતે કરવાના થતા વૃક્ષારોપણ કરતા પણ વધુ સંખ્યામાં થયેલા વૃક્ષારોપણ અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે દરેક એકમ આ પ્રકારે પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધ થશે તો પર્યાવરણનું બગડેલ સંતુલનને મૂળ સ્થિતિમાં લાવી શકાશે. શહેરોમાં શુદ્ધ હવા માટે જે પ્રકારે ગ્રીન સ્પેસ ડેવલપ કરવામાં આવે છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક એકમ ધરાવતા વિસ્તારોમાં પણ ગ્રીન સ્પેસ વિકસાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. વૃક્ષારોપણ પ્રશંસનીય બાબત છે પરંતુ રોપણી કર્યા બાદ તે છોડવામાંથી વૃક્ષો બને ત્યાં સુધી તેમની સલામતી, પાણી સહિતની બાબતોનું ધ્યાન રાખવું પણ એટલું જ આવશ્યક છે તેમ જણાવતા વૃક્ષારોપણ સફળ બને તે માટે જે-તે વિસ્તારની જમીન, હવા-પાણીની સ્થિતિ, પર્યાવરણીય સ્થિતિ, તાપમાન સહિતના પરિબળો ધ્યાનમાં રાખી છોડવાઓની પસંદગી કરવી જોઈએ તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી. રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કંજરી પાસેના 16 એકરથી વધુ વિસ્તારમાં 10,000થી વધુ વૃક્ષો ઉછેરી જે વન તૈયાર થશે તેનાથી આસપાસના વિસ્તારને પર્યાવરણની રીતે ઘણો ફાયદો થશે. આ પ્રકારની પ્રવૃતિઓમાં નાગરિકોએ સક્રિય રીતે લાંબા સમય સુધી જોડાવવાની જરૂર છે. તેમણે પર્યાવરણની સુરક્ષા આપણી સહિયારી જવાબદારી છે અને દરેક નાગરિકના નાના-નાના પર્યાવરણને હિતકારક પગલાઓ લાંબે ગાળે ખૂબ મોટું પરિવર્તન લાવવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓએ પીપળ, વડ સહિતના છોડવાઓ રોપી આ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી રીશીરાજસિંહ પુવારે જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ, તાજપુરા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ તેમજ વિવિધ સીએચસી, પીએચસી પર કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાવી તુલસી સહિતના 10,000થી ઔષધીય છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલોલ તાલુકાના જેપુરા ગામમાં 108 તુલસીના છોડ વાવી વિવિધ પ્રકારની તુલસી ધરાવતા તુલસીવનનું નિર્માણ પણ આજના દિવસે કરવામાં આવ્યું હતું. આગામી એક મહિના સુધી બીજા 20,000 જેટલા છોડનું વિતરણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલોલ, ગોધરા અને કાલોલ જીઆઈડીસીમાં તુલસીના 6,000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ સવારે જિલ્લા સેવા સદન ગોધરા ખાતે કલેક્ટરશ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષકશ્રી મુરારીલાલ મીણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી. બાંભણિયા, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ)શ્રી રીશીરાજસિંહ પુવાર, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના શ્રી સંજીવ વૈજનાપુરકર સહિતના અધિકારીઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ઓનલાઈન ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા અને પર્યાવરણ દિન નિમિતે માર્ગદર્શન મેળવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here