પંચમહાલ : નવરાત્રી દરમિયાન શ્રધ્ધાળુઓ માટે પાવાગઢ મંદિર બંધ રહેશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

કોરોના સંક્રમણના જોખમને ધ્યાને લઈને શ્રી કાલિકા માતાજી ટ્રસ્ટ દ્વારા કરાયેલી જાહેરાત

આગામી તા.૧૬.૧૦.૨૦૨૦ થી ૦૧.૧૧.૨૦૨૦ સુધીમા મહાકાળી મન્દિર મુલાકાતીઓ માટે બંધ રહેશે

પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મા કાલિકા મંદિરને આગામી નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય પાવાગઢ મંદિર સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. હાલોલ સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરતા શ્રી કાલિકા માતાજી ટ્રસ્ટના શ્રી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૧૦ લાખથી વધુ ભાવિકજનો પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા હોય છે. હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યાઓ માટે સરકાર દ્વારા કોવિડ-૧૯ અંગેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિને ધ્યાને લઇને ખાસ નવરાત્રી અંગે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે આ નવરાત્રી અંગેની ગાઈડલાઈનનું પાલન પાવાગઢ ખાતે નવરાત્રીના સમય દરમિયાન કરાવવું શક્ય ન હોય તેમજ કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ મંદિરને નવરાત્રી દરમિયાન એટલે કે આગામી તા.૧૬.૧૦.૨૦૨૦ થી ૦૧.૧૧.૨૦૨૦ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પાવાગઢ તળેટી ખાતે વર્ચ્યુઅલ દર્શનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે જિલ્લાવાસીઓ અને મુલાકાતીઓને સંક્રમણના જોખમથી બચાવવા અગમચેતીના પગલાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં સંક્રમણનો ઝડપી ફેલાવો રોકવા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન જરૂરી છે અને તેને ધ્યાનમાં લઈને જ નવરાત્રિ દરમિયાન મંદિર મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ તેમજ આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here