પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કૃષિ સંશોધન કેન્દ્ર,ડેરોલ ખાતે જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને માતા તરીકેનો દરજ્જો મળ્યો છે. વધુ પડતા રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ,પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળતી હોય છે.સરકારશ્રી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સતત અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ખેડુતો અને સામાન્ય જનતામાં આ અંગે જાગૃતતા ફેલાવવા પંચમહાલ જિલ્લાના કૃષિ સંશોધન કેન્દ્ર, ડેરોલ ખાતે જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો હતો.

આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મારફત પોતાનું આર્થિક ઉપાર્જન કરે તે માટેનું તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, ખેડુતો દેશી ગાયની ઓલાદો જેવી કે ગીર, કાંકરેજ તેમજ ડઘરી ગાય રાખીને તેમના ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ કરી જીવામૃત,ઘન જીવામૃત અને પ્રાકૃતિક કૃષિને લગતી ઔષધિ બનાવીને ખેતીમાં ઉપયોગ કરીને પર્યાવરણને સમૃધ્ધ બનાવવા તરફ અપીલ કરી હતી.

આત્મા પ્રોજેક્ટ તેમજ ખેતીવાડીના સ્ટાફ દ્વારા આ યોજના છેવાડાના ખેડુતો સુધી પહોંચે અને ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા. પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી- આત્માએ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયની ઉપયોગીતા વિશે ખેડૂતોને માહિતી આપી હતી.આ ખેતીમાં ખેડૂતો માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર સુધીની જમીનમાં ખેતી કરી શકે છે.આ તકે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડુતોએ તેમની પોતાની સાફલ્ય ગાથા રજુ કરીને અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સાથે ખેડૂતોને મિલેટ ધાન્ય પાકો અને તેના મહત્વ વિશે માર્ગદર્શન અપાયું હતું.

જિલ્લા કક્ષાના આ પ્રાકૃતિક કૃષિ મેળામાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહીને વિવિધ પ્રકારના સ્ટોલની મુલાકાત કરીને માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સફળ પશુપાલન અને ખેતી કરતા કાલોલ તાલુકાના રાઠોડ નરેશભાઈને જિલ્લામાં બેસ્ટ આત્મા એવોર્ડ અને ૨૫ હજાર રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,આણંદ કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકશ્રીઓ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here