પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી આશિષ કુમારે ચાર્જ સંભાળ્યો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શ્રી આશિષ કુમારે રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે સંનિષ્ઠ ફરજો બજાવી છે

સરકારશ્રી દ્વારા રાજ્યમાં ૧૦૯ આઈએએસ અધિકારીશ્રીઓની બદલી કરાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે શ્રી આશિષ કુમારે પદભાર સંભાળી લીધો છે.આ સાથે તેઓ સમયના પાબંધ છે તેનો પરિચય પણ કરાવ્યો હતો.અગાઉ તેઓ રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.તેઓએ પ્રાંત અધિકારી તરીકે ગોધરા ખાતે પણ ફરજ બજાવી છે, આ ઉપરાંત તેઓ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બોટાદ અને આણંદ જિલ્લામાં પણ ફરજ બજાવી ચુક્યા છે.તેઓ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની છે અને ૨૦૧૪ની બેચના આઈએએસ અધિકારી છે.
જયારે રાજકોટમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વર્ષ ૨૦૨૧માં રાજકોટનાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો.રાજકોટના “નારી ગૌરવ દિવસ” અંતર્ગત લોન વિતરણ સમારોહનું કાર્ય હોય,કે પછી રાજકોટ શહેરની પાયાની સમસ્યાઓ હોય, જેવી કે આવાસ, પરિવહન ક્ષેત્ર કે કચરાની સમસ્યાની તેમજ ન્યારી અને આજી ડેમના પાણીની સુવિધાઓ,કેકેવી ચોક ખાતે ડબલડેકર બ્રિજ માટે તેમણે સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ માટે સૌથી ગૌરવપૂર્ણ સમય ૩૬મી નેશનલ ગેમ્સ ઇવેન્ટની મેજબાની રાજકોટ શહેરને મળી, જેમાં દેશભરના રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ આવેલા હતા. દરેક કામોમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે હર હંમેશ જુસ્સા સાથે કામ કરનાર એવા શ્રી આશિષ કુમાર હવે પંચમહાલ કલેક્ટરશ્રી તરીકે જિલ્લાને વિકાસની ઉંચી ઉડાન પર લઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરતશ્રી સુજલ મયાત્રાએ બે વર્ષથી વધારે સમય દરમિયાન જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપ્યો હતો. તેમની બદલી ગાંધીનગર ખાતે રેવન્યુ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે થઈ છે.તેમની બદલી થતાં તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટરશ્રી આશિષ કુમારને સુપ્રત કર્યો હતો. કલેક્ટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ નવા કલેકટરશ્રીનુ સહર્ષ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here