પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને “મિશન શક્તિ”યોજના અંતર્ગત બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની “મિશન શક્તિ” અમ્બ્રેલા યોજના હેઠળ “સંબલ” અને “સામર્થ્ય” પેટા યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારશ્રીની નવી માર્ગદર્શિકા મુજબ “મિશન શક્તિ”યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા ખાતે જિલ્લા કક્ષાની સમિતિની રચના બાબતે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા સમગ્ર યોજના અને તેના અમલીકરણ બાબતે માહિતી રજૂ કરાઈ હતી.જિલ્લા કલેકટરશ્રીએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પારવમેન્ટ ઓફ વુમન અંતર્ગત કર્મચારીઓને પ્રશ્નોત્તરી કરીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા તથા યોજનાના અસરકારક અમલીકરણ,નિરીક્ષણ અને મૂલ્યાંકન માટે સૂચનો કર્યાં હતા.જિલ્લા કલેકટરશ્રીએ કર્મચારીઓને ફિલ્ડમાં લાભાર્થીઓના અભિપ્રાય લેવા જણાવ્યું હતું તથા યોજના અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે અનુરોધ કરાયો હતો.

જિલ્લા કલેકટરશ્રીએ નારી સંરક્ષણ કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં પણ નારી સંસ્થામા આશ્રિત બહેનોના પ્રવેશ/પુનઃસ્થાપનની માહિતી,આશ્રિત બહેનોના સમયગાળામા વધારો કરવા તથા નારિગૃહ ખાતે જરૂરી સાધન સામગ્રીની ખરીદી કરવા અંગે સૂચનો કર્યા હતા.આ સાથે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર યોજના અન્વયે જીલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક અંતર્ગત સદર યોજના અંગે લોકોમાં તથા શાળાઓમા કિશોરીઓ સાથે કોમ્યુનિકેશન થકી જાગૃતિ ફેલાવવામાં આવે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી ડી.સી.જાની સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here