પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી

ગોધરા,(પંચમહાલ)
ઇષ્હાક રાંટા

સૈનિકો અને તેમના પરિવારજનો માટેના ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતા કલેક્ટરશ્રી

સૈનિક કલ્યાણ ભંડોળમાં કલેક્ટરશ્રી અને પોલિસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓએ ફાળો આપ્યો

પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે આજે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સૈનિક કલ્યાણ બોર્ડમાં ફાળો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષાકાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા સપૂતો અને તેમના પરિવારજનોના કલ્યાણમાં ફાળો આપવાનો આ અમૂલ્ય અવસર છે ત્યારે જિલ્લાવાસીઓએ આ ભંડોળમાં ઉદારહાથે ફાળો આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ કલ્યાણ ભંડોળમાં ફાળો આપતા રાષ્ટ્રસેવાના આ ઉમદાકાર્યમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને આગ્રહ કર્યો હતો. જિલ્લાવાસીઓને સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટેના ભંડોળમાં ઉદારહાથે ફાળો આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી દિવ્યેશ મુરલીવાલા, કલ્યાણ વ્યવસ્થાપકશ્રી માનસિંગભાઈ ચૌધરી, સહાયક કલ્યાણ વ્યવસ્થાપકસુશ્રી મીનાબેન યાદવ સહિત સૈનિક કલ્યાણ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શ્રી મુરલીવાલાએ જણાવ્યું હતું કે સૈનિક કલ્યાણ કચેરી દ્વારા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને માજી સૈનિકોના કલ્યાણ અર્થે અને સંકટ સમયે નાણાકીય સહાય આપવા સહિતના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. આ શુભ હેતુમાં યથાશક્તિ યોગદાન આપવા ફાળો ચેક અથવા ડ્રાફ્ટના માધ્યમથી COLLECTOR AND PRESIDENT ARMED FORCES FLAG DAY FUND ACCOUNT કલેક્ટર અને પ્રમુખશ્રી આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટના નામે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગોધરા ખાતે અથવા SBI AC NO.- 38763547590 IFSC CODE- SBIN0000375 પર ટ્રાન્સફર કરાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સશસ્ત્ર સેના ધ્વજદિન અથવા ઝંડા દિવસ સશસ્ત્ર દળોમાં કાર્યરત સૈનિકોના કલ્યાણ માટે ભારતીય નાગરિકો દ્વારા એકત્ર કરાતા આર્થિક ફાળા માટે સમર્પિત છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારત સરકાર સામે તેના સંરક્ષણ દળોના કલ્યાણ હેતુ ફંડ ઉભુ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે સંરક્ષણ મંત્રીના વડપણ હેઠળ રચાયેલ સમિતીએ ૭ ડિસેમ્બરના દિવસને ધ્વજદિન તરીકે મનાવી ઘનરાશિ એકઠી કરવાનો નિર્ણય કર્યો. આ ઉજવણી પાછળનો વિચાર સામાન્ય જનતામાં ધ્વજની નાની પ્રતિકૃતિઓની વહેંચણી કરી અનુદાન મેળવવાનો હતો. ત્યારથી નિયમિત રીતે ૭ ડિસેમ્બરની ઉજવણી ઝંડા દિવસ અથવા તો ધ્વજ દિન તરીકે કરવામાં આવે છે.
આ દિવસે એકત્ર કરાતી ધનરાશિનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ ઉદ્દેશો ૧. યુધ્ધ સમયે થયેલ જાનહાનિ બાદ પુનર્વસન ૨. સેનામાં કાર્યરત સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ ૩. સેવાનિવૃત સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ માટે કરવામાં આવે છે. આ દિવસે લાલ, ઘેરો વાદળી અને હળવો આસમાની રંગ (આ ત્રણ રંગો ભારતની ત્રણેય સેનાઓના પ્રતીક છે) ધરાવતા નાના ધ્વજ વહેંચી ફાળો એકત્રિત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here