પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના જોટવડ ખાતે સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરાયું

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત હાથ ધરાયેલી કામગીરી

જિલ્લાના કુલ ૧૨૬ ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે

પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના જોટવડ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે જિલ્લાનાં કુલ ૧૨૬ ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવાનું આયોજન છે, જેમાં શરૂઆતમાં દર મહિને જિલ્લાના ૮-૧૦ ગામોમાં આ પ્રકારના શેડ કાર્યરત કરવામાં આવશે. જે અંતર્ગત જાંબુઘોડા તાલુકાના જોટવડ ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી. કે. ગરાસિયા અને ગામના સરપંચશ્રી દ્વારા આ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માટે પાકા અને માટીના પિટ (ખાડા)નું તેમજ પ્લાસ્ટિક સંગ્રહ માટે એક ઓરડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર ક્લેકશન માટે એક પુશકાર્ટ તેમજ સૂકો-ભીનો કચરો અલગ-અલગ લેવા માટે ડસ્ટબિન્સ સહિતના સાધનો પણ ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવવામાં આવ્યા છે. સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ આ યોજનાની શરૂઆત થતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

કઈ રીતે કામ કરે છે આ સેગ્રેગેશન શેડ ?

આ યોજના અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે સેગ્રેગેશન શેડનું નિર્માણ કરવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને આર્થિક સહાય આપવામાં આવે છે. શેડમાં સૂકા કચરા અને ભીના કચરા માટે પિટ (ખાડા) બનાવવામાં આવે છે. ગામના કચરાનું ડોર ટુ ડોર કલેકશન હાથ ધર્યા બાદ સૌથી મોટા એક ખાડામાં તેને સૂકાવા માટે રાખવામાં આવે છે. સુકાઈ ગયા બાદ બીજા ખાડામાં ટ્રાન્સફર કરી તેમાંથી પ્લાસ્ટિક અલગ કરવામાં આવે છે. કાચ સહિતનો નોન બાયોડિગ્રેડબલ કચરો પણ અલગ કરવામાં આવે છે. બાયોડિગ્રેડબલ કચરા માટે અલગ ખાડા કરવામાં આવ્યા છે. જ્યાં તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવશે. પ્લાસ્ટિકનો કચરો તાલુકા સ્તરે નક્કી થયેલી એજન્સી દ્વારા ખરીદવામાં આવશે જેથી પંચાયતને આવક થશે. આ ઉપરાંત ઉત્પન્ન થતા વર્મી કંપોસ્ટ ખાતરનો ઉપયોગ પંચાયત નક્કી કરે તે પ્રમાણે સ્થાનિક ખેડૂતોને કે એજન્સીને વેચાણ કરવામાં આવશે. આ રીતે ગ્રામ્ય સ્તરે ઉત્પન્ન થતા કચરાથી સ્થાનિક જમીનને નુકસાન થતું અટકશે, કચરાથી પ્રદૂષણ ફેલાતું અટકશે, ખાતર મેળવી શકાશે તેમજ રોજગારી અને આવક ઉત્પન્ન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here