ગોધરા ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય હુકમનું વિતરણ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા

પંચમહાલ જિલ્લાના 40 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આવરી લેવાયા, માસિક 4,000/-ની સહાય મંજૂર કરાઈ

તમામ લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનતી સંવેદનશીલ યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે ગાંધીનગરથી ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાના લાભાર્થી બાળકો અને તેમના પાલક માતા-પિતા ઓનલાઈન માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ લોન્ચિંગના આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે યોજના શરૂ કર્યાના એક જ મહિનામાં પંચમહાલ જિલ્લાના 40 બાળકોને ખરાઈ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક 4,000/-ની સહાય મંજૂર કરવામાં આવી છે. જે પૈકી 30 બાળકોના ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે નિરાધાર બનેલા બાળકો પૈકી પ્રતીકરૂપે 20 બાળકોને કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય હુકમો અને શૈક્ષણિક સામગ્રી ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ. ચુડાસમા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી જે.એચ. લખારા, બાળ સુરક્ષા અધિકારીશ્રી જિગ્નેશ પંચાલ, ચિલ્ડ્રન વેલ્ફર કમિટીના પ્રમુખશ્રી નિતિન શાહ, કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને 4,000/-ની સહાય રાજ્ય સરકાર આપશે. જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને 6 હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને 24 વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ 6 હજાર રૂપિયા સહાય મળશે. જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા- પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here