પંચમહાલ જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઊભી કરવા અરજીઓ મંગાવાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

નાયબ ખેતી નિયામક, ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં જમીનની ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા ઇચ્છુકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ પંચમહાલ જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનીક,એગ્રી બિઝનેસ સેન્ટર,ખેતી સાહસિકો,સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઇન્ટ લાયબેલીટી ગૃપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, PACS, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે અને વ્યક્તિગત અરજી ઠરાવ મુજબ માન્ય રાખવામાં આવશે નહિ.
આ માટેની આવશ્યક શરતો નીચે અનુસાર છે.
૧. પ્રયોગશાળા માટે તૈયાર બાંધકામ કરેલ ૧૦ બાય ૧૦ ફૂટના બે રૂમ અથવા ૧૫૦-૨૦૦ ચોરસ ફીટની રૂમ
૨. વીજળી અને પાણીની સુવિધા
૩. કોમ્પ્યુટરની જાણકારી અંગેના કોર્ષનું પ્રમાણપત્ર
૪. અરજી કરનાર સંસ્થાના જવાબદાર વ્યક્તિની ઉંમર ૧૮-૪૫ વર્ષ હોવી જોઇએ અને ઉપરોક્ત સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનું રહેશે.
જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂ. ૫.૦૦ લાખના ૭૫% લેખે રૂ. ૩.૭૫ લાખ લાભાર્થીને નાણાકીય સહાય આપવાની જોગવાઇ છે, જેમા બિલ્ડીંગના બાંધકામનો ખર્ચ મળવાપાત્ર નથી.. જે ગૃપ સંસ્થા કે વ્યક્તિ આ બાબતે રસ ધરાવતા હોય તો આ યોજના અંતર્ગત ફોર્મ તેમજ બીજી જરૂરી માહિતી તેઓએ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી, રૂમ નં. ૧૮-૨૧, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨, ગોધરા. જી.પંચમહાલ પાસેથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિવસ-૧૦ (દશ) સુધીમાં કચેરીના કામકાજના સમયગાળા દરમિયાન સંસ્થાની નોંધણીનું પ્રમણપત્ર રજૂ કરીને રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે. અરજી ફોર્મ મેળવ્યા બાદ દિન-૩૦માં માગ્યા મુજબની વિગતો ભરી જરૂરી સાધનિક કાગળો / વિગતો ઉપર જણાવેલ કચેરીમાં નિયત સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here