પંચમહાલ જિલ્લાની મહિલાઓ માટે સંકટ સમયની સાંકળની ભૂમિકા ભજવતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વર્ષ 2021 દરમિયાન કુલ 6552 સર્વિસ કોલ્સ મળ્યા, 1273 કિસ્સાઓમાં અભયમની જિલ્લા ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર મદદ પહોંચાડાઈ

મહિલાઓને ઘરેલું હિંસા સહિતની હિંસા તેમજ અન્ય મુશ્કેલીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે બચાવ, મદદ અને સલાહ તેમજ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે રાજ્ય સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ 181 મહિલા હેલ્પલાઈન પંચમહાલ જિલ્લામાં અતિ સુંદર કામગીરી બજાવી રહી છે. વર્ષ 2021 દરમિયાન પંચમહાલ જિલ્લામાં અભયમ હેલ્પલાઈનને કુલ 6552 સર્વિસ કોલ્સ મળ્યા હતાં. જે પૈકી 1273 જેટલા કિસ્સાઓમાં અભયમ રેસ્કયુ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત મહિલાનો બચાવ અને મદદ પહોચાડવામાં આવી હતી. જ્યારે 819 કેસોમાં અસરકારક કાઉન્સેલિંગથી સમાધાન કરાવવમાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરેલું હિંસાના 3230, લગ્નજીવનમાં વિખવાદનાં 202, ખોવાયેલા- ભૂલા પડેલા 12, માનસિક શારીરિક હેરાનગતિનાં 1250, બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતિનાં 39 અને કામનાં સ્થળે જાતિય સતામણીનાં 11, આત્મહત્યાનાં વિચારોથી મુક્તિનાં 14 કેસો સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાની મહિલાઓ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન એક સાચી સહેલી બની રહી છે. ઉલ્લેખનીય છે કે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં રોજ રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં વર્ષ 2015 થી 2021 દરમિયાન 9,76,000 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓ એ સર્વિસ કોલ એટેન્ડ કર્યાં હતાં, જેમા અતિ ગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે બે લાખ જેટલા કિસ્સામાં સ્થળ પર પહોચી રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કિસ્સામાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન અથવા સરકારશ્રીની અન્ય એજન્સીઓ મારફતે આશ્રય માટે કે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ધટના સમયે તાત્કાલિક બચાવ અને સલાહ, સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક મદદરૂપ બનવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here