પંચમહાલ જિલ્લાના સાત તાલુકા ખાતે વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

લોકાભિમુખ વહીવટના ૨૦ વર્ષ, સ્વાગત સપ્તાહની ઉજવણી,પંચમહાલ જિલ્લો

જિલ્લામાં ચાલુ માસે ૬૧૪ અરજીઓ રજુ થયેલ,તાલુકા સ્વાગતમાં મોટાભાગની અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ,૨૭ એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા બાદ આજરોજ પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકા ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તમામ તાલુકાઓ ખાતે વિવિધ પ્રશ્નોનું નિવારણ આવે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા તથા મોટાભાગના પ્રશ્નોનું હકારાત્મ્ક નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.
પંચમહાલ જિલ્લાના સાત તાલુકા અંતર્ગત ગોધરા ખાતે કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કાલોલ ખાતે પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં,હાલોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાની અધ્યક્ષતામાં, ઘોઘંબા ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં,જાંબુઘોડા ખાતે પ્રાંત અધિકારીશ્રી મયુર પરમારની અધ્યક્ષતામાં,શહેરા ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલની અધ્યક્ષતામાં તથા મોરવા હડફ ખાતે પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા.
ચાલુ માસે પંચમહાલ જિલ્લામાં કુલ ૬૧૪ અરજીઓ મળી હતી, જેમાં અરજદારો દ્વારા મોટાભાગની અરજીઓમાં રસ્તા,પાણી,દબાણો,નાળા બનાવવા,આંગણવાડી બનાવવી,લાઈટના થાંભલા હટાવવા,આવાસને લગતા પ્રશ્નો,શાળાને લગતા પ્રશ્નો,રાશનના પ્રશ્નો વગેરે રજુ કરાયા હતા.મોટાભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.મોટાભાગના પ્રશ્નોના સુખદ નિવારણ માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓએ ક્યાંક નવી દરખાસ્ત કરવા, તો કેટલાક પ્રશ્નો માટે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સૂચના હાજર રહેલા તમામ અધિકારીઓને આપી હતી.આ તમામ પ્રશ્નો માટે સાત દિવસમાં કાર્યવાહી પુર્ણ કરવા પણ સૂચના આપી હતી.
તા.૨૭ એપ્રિલના રોજ કલેકટરશ્રી પંચમહાલ આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે, જેમાં વર્ચૂઅલી માધ્યમથી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તમામ જિલ્લા અને તાલુકાઓ પણ જોડાશે અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here